Western Times News

Gujarati News

હાર્દિક પટેલ સામે ફરીવખત બિનજામીન પાત્ર વોરંટ જારી

અમદાવાદ: ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં અત્રેની સેશન્સ કોર્ટે ફરી એકવાર કેસની મુદત દરમ્યાન ગેરહાજર રહેલા કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું, જેને પગલે હવે પોલીસ દ્વારા ફરી હાર્દિક પટેલની ધરપકડ થશે અને ફરી તેને કોર્ટમાંથી જામીન મેળવવા પડશે તેવી પરિસ્થિતિ  સર્જાઇ છે.

કેસની વધુ સુનાવણી કોર્ટે તા.૧૫મી ફેબ્રુઆરી પર મુકરર કરી છે. રાજદ્રોહ કેસની સુનાવણી દરમ્યાન મુખ્ય સરકારી વકીલ સુધીરભાઇ બી.બ્રહ્મભટ્ટે કોર્ટનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગત સુનાવણી વખતે પણ હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ મુદતે હાજર નહી રહેતાં સેશન્સ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી અને તેની વિરૂધ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું, જેને પગલે હાર્દિકની વિરમગામ નજીકથી ધરપકડ કરવામાં આવી હતી

અને તેને તા.૨૪મી જાન્યુઆરી સુધી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરાયો હતો. દરમ્યાન હાર્દિકે જામીન અરજી કરી ત્યારે દર મુદતે કોર્ટ સમક્ષ હાજર રહેવાની બાંહેધરી અપાઇ હતી અને તે ખાતરીને ધ્યાનમાં લઇને કોર્ટે હાર્દિકને રૂ.૨૫ હજારના શરતી જામીન પર મુકત કરવા હુકમ કર્યો હતો. કોર્ટે હવે પછી આ કેસની તારીખ અને મુદતમાં હાજર રહેવા હાર્દિક પટેલને સ્પષ્ટ તાકીદ કરી હતી,

તેમછતાં આજે રાજદ્રોહ કેસની મુદત હોવાછતાં હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર રહ્યા નથી. આમ કરી હાર્દિક પટેલ કેસની ન્યાયિક પ્રક્રિયાને બિનજરૂરી રીતે વિલંબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિકના કોર્ટમાં હાજર નહી રહેવાના વલણને લઇ સેશન્સ કોર્ટે લાલ આંખ કરી હતી અને ફરી એકવાર હાર્દિક પટેલ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતાં હાર્દિકની મુશ્કેલી ફરી વધી છે. ઉલ્લેખનીય છે કે,

ગત તા.૨૫-૮-૨૦૧૫ના રોજ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પટેલોને અનામત આપવાની માંગણી સાથે યોજાયેલ સભા અને રેલી બાદ પરિસ્થિતિ  વણસતાં અને હિંસા ફાટી નીકળતાં શહેર ક્રાઇમબ્રાંચ દ્વારા આ સમગ્ર મામલે રાજદ્રહોનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં હાર્દિક પટેલને જૂલાઇ-૨૦૧૬માં જામીન આપવામાં આવ્યા હતા.

નવેમ્બર-૨૦૧૮માં કોર્ટે આ કેસમાં હાર્દિક પટેલ સહિતના આરોપીઓ વિરૂધ્ધ ચાર્જ ફ્રેમ કર્યો હતો. હાર્દિક પટેલ હમેશા વિવાદોના ગેરામાં રહ્યો છે. કોર્ટ દ્વારા આપવામાં આવેલી સુચનાઓ પણ પારી રહ્યો નથી. ન્યાય પ્રક્રિયા સુચના નહી પાળવાના કારણે ખોરવાઈ પડે છે. આ જ કારણસર કોર્ટે લાલ આંખ વારંવાર કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.