‘બ્રિક્સ’ રાષ્ટ્રોના યુએસ ડોલર પરના હુમલાને ટેરિફથી રોક્યોઃ ટ્રમ્પ

File Photo
વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા દેશોના બનેલા સંયુક્ત સમૂહ બ્રિક્સ સામે વધુ એક વખત પોતાનો અણગમો વ્યક્ત કર્યાે છે. યુએસ પ્રમુખે પોતાની ટેરિફ નીતિનો બચાવ કરતા જણાવ્યું કે, બ્રિક્સ બ્લોક યુએસ ડોલર પર હુમલો હતો જેને ટેરિફથી રોકવામાં સફળતા મળી હતી.
યુએસ રાષ્ટ્રપતિના મતે ટેરિફની ધમકી આપ્યા બાદ બ્રિક્સ દેશો તૂટી રહ્યા છે અને તેના સભ્ય રાષ્ટ્રો એક પછી એક બ્લોકમાંથી બહાર થઈ રહ્યા છે.
ટ્રમ્પે વૈશ્વિક સ્તરે થતા વેપારમાં ડોલરને બદલીને અન્ય ચલણને મહત્વ આપવા સામે ટેરિફનું હથિયાર ઉગામ્યું હતું. વ્હાઈટ હાઉસ ખાતે આર્જેન્ટિનાના વડાપ્રધાન જાવિયર મિલીયા સાથે મુલાકાત દરમિયાન ટ્રમ્પે જણાવ્યું કે, બ્રિક્સ રાષ્ટ્રના સમૂહમાં જેમને રહેવું હોય તે રહી શકે છે પરંતુ અમે તે રાષ્ટ્ર ઉપર ટેરિફ લાદીશું.
ત્યારબાદ આ બ્લોકમાંથી એક પછી એક બધા દેશો છૂટા પડી રહ્યા છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, હું ડોલર પ્રત્યે ખૂબ કડક છું, અને જે કોઈ ડોલરમાં વેપાર કરવા માંગે છે તેમને ડોલરમાં વેપાર ના કરતા દેશોની તુલનાએ ફાયદો થઈ શકે છે. બ્રિક્સ ડોલર પર હુમલો હતો. જો તમે આ રમત રમો છો તો હું અમેરિકામાં નિકાસ થતી તમારી તમામ ચીજવસ્તુઓ ઉપર ટેરિફ લાગુ કરીશ.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખનું આ નિવેદન એવા વ્યાપક વૈશ્વિક સંદર્ભમાં આવ્યું છે જેમાં બ્રિક્સના સભ્ય દેશો (હાલના ૧૦ દેશો) સંયુક્ત રીતે આર્થિક તેમજ વેપાર ક્ષેત્રમાં યુએસ ડોલરના વૈશ્વિક વર્ચસ્વને પડકાર આપી રહ્યા છે. આ મુદ્દે નિષ્ણાતો ટ્રમ્પના દાવા સાથે સહમત નથી જણાતા.
નિષ્ણાતો તથા આંતરરાષ્ટ્રીય વિશ્લેષકોના મતે બ્રિક્સ સંગઠન મજબૂત બની રહ્યું છે અને તેના સભ્ય દેશોનો આર્થિક પ્રભાવ સતત વધી રહ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ડોલરની ભૂમિકાને નબળી પાડવાની ભારતની કોઈ યોજના નહીં હોવાની સ્પષ્ટતા કરી છે. ભારતે આ મામલે સમાધાનકારી વલણ અપનાવ્યું છે તથા તેને ડોલર સાથે કોઈ સમસ્યા નહીં હોવાનું જણાવ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારને લઈને પણ વાટાઘાટો સકારાત્મક દિશામાં ચાલી રહી છે. આ સપ્તાહે ભારતનું પ્રતિનિધિમંડળ અમેરિકાની મુલાકાત લેશે.SS1MS