Western Times News

Gujarati News

મોબાઈલ ગેમ રમતાં ૧૩ વર્ષના કિશોરનું મોત થયું

લખનઉ, ઉત્તર પ્રદેશના લખનઉમાં ઇન્દિરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં ૧૩ વર્ષીય કિશોરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે.

પરિવારજનોએ મૃત્યુનું કારણ કિશોરને મોબાઈલ ગેમ ‘ફ્રી ફાયર’ની લત હોવાનું જણાવ્યું છે. પોલીસ દ્વારા હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

મૃતક કિશોરની ઓળખ વિવેક (ઉંમર ૧૩) તરીકે થઈ છે, જે મૂળ સીતાપુરનો રહેવાસી છે અને હાલમાં તેના પરિવાર સાથે ઈન્દિરા નગરના પરમેશ્વર એન્ક્લેવ કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતો હતો. પરિવાર આઠ દિવસ પહેલા જ આ વિસ્તારમાં રહેવા આવ્યો હતો.મૃતકની બહેન અંજુએ આપેલી માહિતી મુજબ, બુધવારના રોજ વિવેક ઘરે એકલો હતો અને સતત પોતાના મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો. અંજુ થોડા સમય માટે રૂમમાંથી બહાર નીકળી હતી.

જ્યારે તે પાછી આવી ત્યારે વિવેક બેભાન અવસ્થામાં હતો અને તેનો મોબાઇલ ફોન ચાલુ હતો, જેમાં ળી ફાયર ગેમ ચાલી રહી હતી. શરૂઆતમાં બહેનને લાગ્યું કે તે ગેમ રમતા રમતા સૂઈ ગયો હશે, પરંતુ લાંબા સમય સુધી કોઈ હલચલ ન થતા તેને શંકા ગઈ અને પરિવારજનોને જાણ કરી.

પરિવારના સભ્યો તાત્કાલિક વિવેકને લઈને નજીકની લોહિયા હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યાે હતો.વિવેકની બીજી બહેન ચાંદનીએ તેના ગેમિંગ વ્યસન વિશે ગંભીર ઘટસ્ફોટ કર્યાે હતો. તેના જણાવ્યા અનુસાર, વિવેક ફ્રી ફાયર ગેમનો એટલો બધો વ્યસની હતો કે તે દરરોજ રાત્રે ૧૦થી ૧૧ વાગ્યા સુધી જાગીને રમતો રહેતો.

તે કોઈની સાથે વાતચીત કરતો ન હતો અને જો પરિવારમાંથી કોઈ તેને રોકવાનો કે ટોકવાનો પ્રયાસ કરે તો તે ગુસ્સામાં વસ્તુઓ ફેંકી દેતો હતો.ઈન્દિરા નગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જે આ ઘટનાની પુષ્ટિ કરી છે.

તેમણે જણાવ્યું કે, ‘આ ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. કિશોરના મૃતદેહને કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. હાલમાં પરિવાર તરફથી કોઈ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. ફરિયાદ મળ્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે.’પરિવાર અને સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ગમગીની છવાઈ ગઈ છે, અને મોબાઈલ ગેમના ગંભીર વ્યસન પર ફરી એકવાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.