ભાવનગરમાં છરીના ઘા ઝીંકી સસરાએ જમાઈની હત્યા કરી

ભાવનગર, ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં સસરાએ જમાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી છે. જમાઈ સુરેશ રાઠોડ અને તેની દીકરી મીના વચ્ચે છેલ્લાં પાંચ વર્ષથી ખટરાગ ચાલતો હતો, જેના કારણે મીના પિયરમાં રહેતી હતી અને ફેમિલી કોર્ટમાં છૂટાછેડા તથા ભરણપોષણનો કેસ ચાલી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા સુરેશ શરદભાઈ રાઠોડ (ઉં. ૪૫)ના લગ્ન આશરે ૧૭-૧૮ વર્ષ પૂર્વે મનસુખ પરમારની પુત્રી મીના સાથે થયા હતા અને તેમને બે પુત્રો પણ છે. આજે સવારે કોર્ટની મુદત હોવાથી સુરેશ ત્યાં હાજર રહી પરત પોતાની રિક્ષા લઈને ઘર તરફ આવી રહ્યો હતો.
આ સમયે દેસાઈ નગર પેટ્રોલ પંપ પાસે મૃતકના સસરા મનસુખ પરમાર તથા તેના સાળાઓએ સુરેશને રસ્તા વચ્ચે આંતરીને ઝઘડો કર્યાે હતો. ઝઘડો ઉગ્ર બનતા સસરા મનસુખ પરમારે છરી વડે જમાઈ સુરેશ પર આડેધડ હુમલો કરતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ સસરો મનસુખ પરમાર ફરાર થઈ ગયો હતો.બનાવની જાણ થતાં બોરતળાવ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે મૃતક સુરેશના મૃતદેહનું પંચનામું કરીને લાશને પોસ્ટમોર્ટમ માટે સર ટી હોસ્પિટલમાં મોકલી આપી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ મામલે સિટી ડીવાય.એસ.પી. આર.આર. સિંધાલએ મીડિયાને જણાવ્યું હતું કે, પતિ-પત્નીના છૂટાછેડા અને ભરણપોષણના કેસના મનદુઃખમાં મૃતકના સસરા મનસુખે સુરેશભાઈને શરીરે ઘા મારી હત્યા કરી છે. પોલીસે મૃતકના ભાઈ નીતિનભાઈની ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી છે.SS1MS