દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકોને તાત્કાલિક સારવાર મળી રહેશેઃ દેવાંગ દાણી

અમદાવાદની AMC સંચાલીત હોસ્પિટલોમાં તહેવારોમાં વ્યવસ્થા જાળવવા અને તબીબો હાજર રહે તે સુનિશ્ચિત કરવા સુચના અપાઇ છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, સામાન્ય રીતે દિવાળીના તહેવારોમાં શહેરમાં ખાનગી તબીબો મહત્તમ ફરવા માટે જતાં હોવાથી શહેરમાં આરોગ્યની સમસ્યા ન સર્જાય તે માટે તમામ ૧૨ સામુહિક આરોગ્ય કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે. તે ઉપરાંત મ્યુનિ. સંચાલીત હોસ્પિટલમાં પણ તબીબોને હાજર રહેવા અને વ્યવસ્થા જળવાઇ રહે તે સુનિશ્ચિત કરવા માટે સુચના આપવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ મ્યુનિ. સંચાલીત હોસ્પિટલમાં એસવીપી હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શા.ચી.લા. હોસ્પિટલ, નગરી આંખની હોસ્પિટલ, વી.એસ. હોસ્પિટલ અને ચેપીરોગની હોસ્પિટલમાં વ્યવસ્થા જાળવવા અને તબીબો હાજર રહે તે સુનિશ્ચિત કરવા સુચના અપાઇ છે.
ખાસ કરીને ઇજા, દાઝી જવાના કેસ, ધુમાડાને કારણે શરદી, ખાંસી થવી, શ્વસનતંત્રના રોગ, આંખને લગતી બિમારી, એલર્જી, ઝાડા ઉલ્ટી જેવા કેસમાં તત્કાલ તબીબો ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવા સુચના અપાઇ છે.
જરૂરી મેડિસીન અને ડ્રેસીંગ મટીરીયલનો જથ્થો પણ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવા માટે પણ સુચના અપાઇ છે. મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ નરોડા, ગોમતીપુર, રખિયાલ, દાણીલીમડા, બહેરામપુરા, ફેસલનગર, સરખેજ, વસ્ત્રાલ, વટવા, સાબરમતી, ચાંદખેડા અને થલતેજના સામુહિક કેન્દ્રો દિવાળીના તહેવારોમાં પણ ચાલુ રહેશે.