માતાઓનો પ્રેમ મને સુરક્ષા કવચ આપશે : વડાપ્રધાન
ગોવાહાટી: બોડો સમજૂતી અને સીએએ વિરુદ્ધ દેખાવો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પહેલી વખત આસામના પ્રવાસે પહોંચ્યા હતા. અહીંયા તેમણે રેલીને સંબોધતા કહ્યું કે, અહીંયાની માતાઓનો પ્રેમ મને ડંડા મારવા વાળાની વાત કરનારાથી સુરક્ષા કવચ આપશે. આટલા દાયકાઓથી અહીંયા ગોળીઓ ચાલતી રહી આજે ન્યૂ ઈન્ડિયાનો રસ્તો ખુલી ગયો છે. શાંતિ અને વિકાસના નવા અધ્યાયમાં તમારું સ્વાગત કરું છું.
મોદીએ કહ્યું કે, મેં જીવનમાં ઘણી રેલીઓ જોઈ છે, પરંતુ ક્યારેય આટલો વિશાળ જનસાગર જોવાનું સૌભાગ્ય નથી મળ્યું. હેલિકોપ્ટરથી જોઈ રહ્યો હતો જ્યાં સુધી નજર જતી હતી ત્યાં લોકો દેખાતા હતા.તમે લોકો આવડી મોટી સંખ્યામાં મને આશીર્વાદ આપવા આવ્યા, આનાથી મારો વિશ્વાસ વધી ગયો છે.
ક્યારેક ક્યારેક લોકો મને ડંડો મારવાની વાત કરે છે. પરંતુ જે મોદીને આટલી મોટી સંખ્યામાં માતા-બહેનોના પ્રેમનું કવચ મળ્યું હોય, એને ગમે તેટલા ડંડા મારી લો કોઈ અસર નહીં થાય. હું આપ સૌને દિલથી ભેટવા માટે આવ્યો છું. ‘ગઈ કાલે આખા દેશે જોયું કે કેવી રીતે ગામે ગામ તમે મોટરસાઈકલ રેલીઓ કાઢી, આખા વિસ્તારમાં દીવા પ્રગટાવી દીવાળી ઉજવી હતી.
ચારેય તરફ તેના દ્રશ્ય સોશયલ મીડિયામાં જોવા મળતા હતા. આખો હિન્દુસ્તાન તમારી ચર્ચા કરી રહ્યો હતો. આજનો દિવસ એ હજારો શહીદોને યાદ કરવાનો છે, જેમણે દેશ માટે પોતાના કર્તવ્ય માટે જીવનનું બલિદાન આપ્યું છે. બોડોફા, ઉપેન્દ્રનાથ અને રૂપનાથ બ્રહ્મજીના યોગદાનને યાદ કરવાનો છે. આ સમજૂતીમાં સકારાત્મક ભૂમિકા નિભાવનારા બોડો સ્ટુડન્ટ યુનિયનના અભિનંદનનો દિવસ છે’
‘તમારા સહયોગથી સ્થાયી શાંતિનો રસ્તો નીકળી શક્યો છે. આજનો દિવસ આસામ સહિત આખા નોર્થઈસ્ટ માટે ૨૧મી સદીમાં એક નવી શરૂઆત અને નવી સવારનું એક નવી પ્રેરણાનું સ્વાગત કરવાનો અવસર છે. આજનો દિવસ સંકલ્પ લેવાનો છે કે વિકાસ અને વિશ્વાસની મુખ્યધારાને મજબૂત કરવાનું છે. હવે હિંસાના અંધકારને આ ધરતી પર પાછું ફરવા નહીં દઈએ.
હવે આ ધરતી પર કોઈની માતા-દીકરી કે પછી ભાઈ બહેનનું લોહી નહીં વહે. અહીંયા હિંસા નહીં થાય.’ ‘આજે એ માતાઓ મને આશીર્વાદ આપી રહી છે, જેનો દીકરો ક્યારેક બંદૂક લઈને ફરતો હતો. કલ્પના કરો કે આટલા દશકાઓ સુધી ગોળીઓ ચાલતી રહી. આજે એ જીવનથી મુક્તિનો રસ્તો ખૂલી ગયો છે.