ઓનલાઈન લુકઆઉટ નોટિસનું પોર્ટલ શરૂ કરાયું

નવી દિલ્હી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સએ વિદેશી અને ભારતીય નાગરિકો માટે લૂકઆઉટ નોટિસ જાહેર કરવાની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે એક ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું છે.
આ નિર્ણયથી અગાઉની મેન્યુઅલ અને ઈ-મેલ આધારિત પ્રક્રિયાનો અંત આવશે અને કાર્યવાહીમાં વધુ પારદર્શિતા આવશે.સીબીઆઈસી દ્વારા ૧૩મી ઓક્ટોબરે બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે એલઓસી માટેનું આ પોર્ટલ (જે ૩૧મી માર્ચ ૨૦૨૪થી કાર્યરત છે) દેશભરમાં યોગ્ય સમયે નોટિસ પહોંચાડવા અને તેને લગતી કાર્યવાહીને અસરકારકતા તેમજ પારદર્શકતાથી પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું છે.
આ નવી ઓનલાઈન પ્રક્રિયાના સુચારુ સંચાલન માટે ત્રણ મુખ્ય સંસ્થાઓમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવશે. પોર્ટલ પર કામગીરી કરવા માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઈન્ટેલિજન્સ, કસ્ટમ્સ, અને સીજીએસટીના અધિકારીઓએ નિયુક્ત નોડલ ઓફિસર સાથે સંકલન સાધવું પડશે.
સીબીઆઈસીએ જણાવ્યું છે કે અધિકારીઓના ડેઝિગ્નેશનને આધારે નોડલ ઓફિસરના લોગ ઇન ક્રિડેન્શિયલ નક્કી કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા માટેની વિગતવાર ગાઈડલાઈન્સ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે, જેનું દરેક અધિકારીએ અનુસરણ કરવાનું રહેશે. પોર્ટલ પર કામ કરવામાં કોઈ તકલીફ પડે તો માત્ર નોડલ અધિકારીનો જ સંપર્ક કરવાનો રહેશે.
આ ઓનલાઈન પ્રક્રિયા શરૂ થવાથી હવે માનવીય હસ્તક્ષેપ આધારિત તમામ પ્રક્રિયા પરનો મદાર ઓછો થશે, જેનાથી લૂકઆઉટ નોટિસ જારી કરવાની કામગીરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.SS1MS