પાકિસ્તાન પોતાની નિષ્ફળતા માટે પડોશીને જવાબદાર ઠેરવે છેઃ ભારત

નવી દિલ્હી, ભારતે પાકિસ્તાન સાથેની લડાઇના મામલે ખુલ્લેઆમ અફઘાનિસ્તાનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે આતંકવાદને પ્રોત્સાહન આપવાનો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે. તે (પાક.) તેની આંતરિક નિષ્ફળતા માટે કાયમ પડોશીઓ પર દોષનો ટોપલો ઢોળે છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત આ અથડામણોથી ઊભી થઇ રહેલી સ્થિતિ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે. તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે પાક.ના પગલાથી સ્થિતિ વણસી છે. ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
તેમણે ઉમેર્યું હતું કે ‘ત્રણ બાબતો સ્પષ્ટ છે. એક પાકિસ્તાન આતંકી સંગઠનોને પોષે છે અને આતંકી પ્રવૃત્તિઓને સ્પોન્સર કરે છે. બીજું, પોતાની આતંરિક નિષ્ફળતાની જવાબદારી પડાશીઓ પર થોપવાની પાકિસ્તાનની વૃત્તિ છે. ત્રીજું, અફઘાનિસ્તાન પોતાના પ્રદેશો પર સાર્વભૌમત્વનો ઉપયોગ કરી રહ્યું છે તેનાથી પાકિસ્તાન ગુસ્સે છે.’
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથેની તેની લડાઇ માટે ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. જોકે ભારતે તેનું ખંડન કર્યું હતું. પરંતુ હવે ભારતે ખુલીને આ મામલે અફઘાનનું સમર્થન કર્યું છે.
ગત અઠવાડિયાથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સરહદે લડાઇ ફાટી નીકળી હતી. તે વખતે ભારતની મુલાકાતે આવેલાં તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ સ્પષ્ટ કર્યું હતું કે અફઘાનની જમીનનો કોઇ વિદેશીઓ દ્વારા આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં નહિ થવા દઇએ.SS1MS