Western Times News

Gujarati News

નામ કમી બાબતે એક પણ અપીલ થઈ નથીઃ ચૂંટણી પંચ

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે બિહારમાં એસઆઈઆર અંતર્ગત હાથ ધરાયેલી મતદાર યાદી સુધારણા ઝુંબેશને સચોટ ઠેરવતા દલીલ કરી હતી કે, રાજકીય પક્ષો અને એનજીઓ દ્વારા સમગ્ર પ્રક્રિયાને બદનામ કરવા માટે જૂઠ્ઠા આરોપ મૂકવામાં આવ્યા છે. આખરી મતદાર યાદિ પ્રસિદ્ધ થયા પછી નામ કમી બાબતે એક પણ મતદાર તરફથી અપીલ થઈ નથી.

બિહારમાં રેલી અને પ્રચારના કારણે સુનાવણી દરમિયાન રાજકીય પક્ષોની ગેરહાજરીની નોંધ લેતાં જસ્ટિસ સૂર્યા કાંત અને જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચે મતદાર યાદીમાં ટાઈપોગ્રાફી ભૂલો દૂર કરવા પગલાં લેવા જોઈએ. એસઆઈઆર હેઠળ હાથ ધરાયેલી કામગીરીને પડકારતી અરજીઓને ફગાવી દેવા માટે ચૂંટણી પંચ તરફથી રજૂઆત થઈ હતી.

પંચ તરફથી દલીલ થઈ હતી કે, રાજકીય પક્ષોના ચૂંટણી હિતોને જાળવવાના ઈરાદેથી એસઆઈઆરની કવાયત તથા ચૂંટણી પંચને બદનામ કરવા પ્રયાસ થયા છે અને અરજદારો માત્ર જૂઠ્ઠા આક્ષેપો કરીને સંતુષ્ટ છે.

ચૂંટણી પંચની એફિડેવિટમાં રજૂઆત થઈ હતી કે, રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટ્‌સ અને જાગૃત નાગરિકોએ કે સંસ્થાઓએ તમામ લાયક મતદારોને યાદીમાં સમાવવા બાબતે કોઈ નોંધપાત્ર યોગદાન આપ્યું નથી. રાજકીય પક્ષો અને અરજદારોનો અભિગમ ચૂંટણી પંચને બદનામ કરવાનો અને એસઆઈઆરપ્રક્રિયામાં ભૂલો કાઢવાનો રહ્યો છે. જ્યારે ચૂંટણી પંચે ૯૦,૦૦૦થી વધુ બ્લોક લેવલ ઓફિસર્સની નિમણૂક કરી છે અને બૂથ લેવલ એજન્ટ્‌સની નિમણૂક કરવા માટે રાજકીય પક્ષોને સક્રિય કર્યા છે.

ઘરે-ઘરે એકથી વધુ મુલાકાત લઈને એસઆઈઆરની યાદી બનાવવામાં આવી છે અને તેની વિગતો વેબસાઈટ પર અપલોડ થયેલી છે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ટાઈપોગ્રાફી એરર તથા અન્ય ભૂલો સુધારવા નિર્દેશ આપ્યા છે.

બિહારમાં આખરી મતદાર યાદી તૈયાર કરતી વખતે જવાબદાર સત્તામંડળ તરીકે પંચે આ કામગીરી કરવી જોઈએ, તેવી ટકોર સુપ્રીમ કોર્ટે કરી હતી.

આ કેસની આગામી સુનાવણી ૪ નવેમ્બરે રાખવામાં આવી છે. એનજીઓ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રીફોર્મ્સ તરફથી રજૂઆત કરતા એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે, પોતાના નામ માટે દાવો કરનારા મતદારોના નામ આખરી યાદીમાં સમાવાયા નથી. ચૂંટણી પંચે ૭ ઓક્ટોબરે આ કેસની સુનાવણી દરમિયાન નામ ખોટા હોવાનો દાવો કર્યાે હતો, પરંતુ આ નામ સાચા હતા. ચૂંટણી પંચે એસઆઈઆરની કવાયતમાં પારદર્શિતા રાખવા માટે નામ કમી થયા હોય તેવા મતદારોની યાદી પ્રસિદ્ધ કરવી જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.