Western Times News

Gujarati News

સાયબર ગઠિયાઓ પણ દિવાળીમાં સક્રિય ઓનલાઈન શોપિંગ કરતા લોકો સોફ્ટ ટાર્ગેટ

અમદાવાદ , દિવાળીનો તહેવાર આવતાની સાથે જ ઈન્ટરનેટ પર ઓનલાઈન શોપિંગ અને ડિસ્કાઉન્ટ અંગેની ભરપૂર જાહેરાત આવવા લાગી છે, પરંતુ આ ગાડરિયા પ્રવાહમાં જવાથી ક્યારેક સાયબર ઠગાઈનો શિકાર બની જવાય છે.

ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી કરતા લોકોએ અનેક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બન્યું છે. તહેવાર સમયે સાયબર ગઠિયાઓ બનાવટી વેબસાઈટ બનાવી છેતરપિંડી આચરે છે. આ પ્રકારની બનાવટી વેબસાઈટ પરથી શોપિંગ કરનાર લોકો સાથે ઠગાઈના કિસ્સા બનશે.

સાથે જ બીજી બાજુ કેટલાક કિસ્સામાં કુરિયર તો ઘરે આવે છે, પરંતુ તેમાં રૂપિયા ખર્ચીને ખરીદેલી ચીજવસ્તુઓ હોતી નથી. અંતે ગ્રાહકે રાતા પાણીએ રોવાનો વારો આવે છે ત્યારે તહેવાર દરમિયાન પોલીસ ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડી સાયબર ગઠિયાઓની દિવાળી બગાડશે કે કેમ તે સવાલ છે.

વરસાદની ઋતુમાં જેમ રોગચાળો ફાટી નીકળે તેમ દિવાળીમાં સાયબર ગઠિયાઓ વધુ સક્રિય બની જતા હોય છે. ભળતી બનાવટી વેબસાઈટમાં માલવેર વાયરસ ઈન્સ્ટોલ કરીને ભારે ભરખમ ડિસ્કાઉન્ટની જાહેરાત પોસ્ટ કરવામાં આવે છે.

સસ્તાની લાલચમાં ભરમાઈને ગ્રાહક સાયબર ગઠિયાની જાળમાં ફસાઈ જાય છે ત્યારે આ સંજોગોમાં વ્યક્તિએ ઓનલાઈન શોપિંગ કરતી વખતે વેબસાઈટ સાચી છે કે પછી બનાવટી તે અંગેની ખરાઈ જરૂરથી કરી લેવી જોઈએ.

આ ઉપરાંત અન્ય શોપિંગ વેબસાઈટ પરથી ભાવની સરખામણી કરી લેવી જોઈએ જેનાથી ભોગ બનતા અટકી શકાય. હાલ દિવાળી પૂર્વે જ આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી સાયબર ગઠિયાઓએ લોકોને શિકાર બનાવવાનું શરૂ કર્યું છે.

લોકોએ તેમની ખાનગી બેંક વિગતો કે અન્ય વિગતો ન આપીને ઠગાઈથી બચવું જોઈએ. સાથે જ લોકોએ ઓનલાઈન શોપિંગ એપ ઈન્સ્ટોલ કરતી વખતે ફોન હેક ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ પ્રકારના કિસ્સા બનતા પોલીસ અરજી લઈને સંતોષ માનશે કે લોકોને બચાવવા તકેદારીના પગલાં લઈ શકશે તે સવાલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.