અમદાવાદના ફાર્માસિસ્ટ સાથે જમીન રોકાણના નામે રૂ.૧.૭૫ કરોડની છેતરપિંડી

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના એક ફાર્માસિસ્ટને જમીન રોકાણના બદલામાં ઊંચા વળતરની લાલચ આપીને રૂ.૧.૭૫ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે અમદાવાદ શહેર પોલીસે ગાંધીનગર સ્થિત ભાવિક સુરેશભાઈ રાવલ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોલાના રહેવાસી અને બોડકદેવમાં અંજની મેડિકલ સ્ટોર ચલાવતા ૪૯ વર્ષીય દીપક દશરથભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું કે આરોપી રાવલ, પીડિતના કોલેજ સમયનો પરિચિત હતો. જૂન ૨૦૨૩માં મિત્રતાના નામે ફરી સંપર્ક સાધીને રાવલે પટેલને ગાંધીનગર અને પાટણમાં જમીન સોદામાં સંયુક્ત રોકાણનો પ્રસ્તાવ મૂક્યો હતો.
વિશ્વાસ કેળવ્યા બાદ જુલાઈ ૨૦૨૩માં ભાવિક રાવલે દક્ષિણ બોપલમાં આવેલી દીપક પટેલની દુકાન રૂ.૧.૧૯ કરોડમાં વેચીને તેમને ભાગીદાર બનવા સમજાવ્યા હતા. દીપકભાઇ સંમત થયા અને દુકાન ભાવિકના નામે ટ્રાન્સફર કરી હતી. જોકે, ભાવિકે વચન મુજબની રકમ ચૂકવી નહોતી અને દાવો કર્યો કે તે રકમ જમીનના સોદામાં રોકી દીધી છે.
દસ્તાવેજીકરણ માટે આપેલો રૂ.૩૪ લાખનો ચેક પણ બાઉન્સ થયો હતો. ત્યારબાદ નવેમ્બર ૨૦૨૩માં ભાવિકે ગાંધીનગર નજીક (સુઘડ ગામ)માં વધુ એક જમીન પ્રોજેક્ટમાં રોકાણ કરવા તેમને સમજાવ્યા. દીપકભાઇએ પરિવાર અને અંગત બચતમાંથી રૂ.૭૫.૫૦ લાખની વ્યવસ્થા કરી. ભાવિને એક વર્ષમાં ૧ ટકા વ્યાજ સાથે રોકાણ પાછું આપવાનું વચન આપ્યું હતું.
ત્યારબાદ, ઓક્ટોબર ૨૦૨૪માં ભાવિકે ગાંધીનગરના નોટરી સમક્ષ રૂ.૧.૦૫ કરોડ માર્ચ ૨૦૨૫ સુધીમાં ચૂકવવાનું વચન આપતો નોટરાઇઝ્ડ કરાર પર સહી કરી, પરંતુ તે પણ નિષ્ફળ ગયો. મહિનાઓ વીતી ગયા છતાં વળતર ન મળતા દીપકભાઇએ ભાવિન પર દબાણ કરતાં જાન્યુઆરી ૨૦૨૪માં માત્ર રૂ.૧૩ લાખ પાછા આપ્યા હતા.