AMC કમિશ્નરે ફૂડ વિભાગના ઉચ્ચ અધિકારીની તાત્કાલિક અસરથી અચાનક બદલી કેમ કરી?

AI Image
મોટા ફંક્શનમાં નાસ્તા, ભોજન માટે ગ્વાલીયા સ્વીટ્સ તેમની પ્રથમ પસંદ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી હતી-પાણી માટે કલ્પક એજન્સી અને ગાંધી કેટર્સ મુખ્ય
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે શુક્રવારે સરપ્રાઈઝ બદલી કરી હતી. મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગના ડેઝીગનેટેડ ઓફિસર ડો.ભાવિન જોશી પાસેથી તમામ ખાતા આંચકી લેવામાં આવ્યા છે અને તેમની બદલી જન્મ-મરણ વિભાગમાં કરી છે.
જયારે જન્મ-મરણ વિભાગના ડો.તેજસ શાહ ને ડો.ભાવિન જોશી ના તમામ વિભાગ સોંપવામાં આવ્યા છે. ડો.ભાવિન જોશી સામે હોદ્દેદારો અને સ્ટાફની અસંખ્ય ફરિયાદો હોવાના કારણે તેમની બદલી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ ફૂડ વિભાગના ડેઝીગનેટેડ ઓફિસર અને ડે. એમ.ઓ.એચ.ની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી છે.
સુત્રો એ જણાવ્યા મુજબ વડાપ્રધાન ની રેલી સમયે પીવાલાયક પાણી ની અવ્યવસ્થા સર્જાઈ હતી.જેના કારણે હોદ્દેદારો નારાજ થયા હતા. આ ઉપરાંત તેમના જ સ્ટાફ ઘ્વારા તેમની કાર્યપધ્ધતિ અંગે પણ કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. ડો.ભાવિન જોશી સ્ટાફમાં પણ વહાલા-દવલા ની નીતિ અપનાવતા હોવાની ફરિયાદ થઈ હતી.
આ ઉપરાંત તેઓ માત્ર ગણતરીના જ કોન્ટ્રાટરોને સાચવતા હતા જેમાં પાણી માટે કલ્પક એજન્સી અને ગાંધી કેટરર્સ મુખ્ય છે. જયારે મોટા ફંક્શનમાં નાસ્તા, ભોજન માટે ગ્વાલીયા સ્વીટ્સ તેમની પ્રથમ પસંદ હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી હતી.
અમદાવાદ શહેર ૉના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિર આસપાસ ગેરકાયદેસર રીતે નોનવેજના વેચાણ થઈ રહયા છે
તેવો પત્ર બે દિવસ પહેલા જ મંદિર ટ્રસ્ટ ઘ્વારા લખવામાં આવ્યો હતો જયારે ગઇકાલે પૂર્ણ થયેલ મેયર્સ સમિટ માં પણ તેમની કાર્યપદ્ધતિ ચર્ચાનો વિષય બની હતી.
આ ઉપરાંત ફ્લાવર શો, ફૂડ ફોર થોટ સહિતના અનેક કાર્યક્રમમાં પાણી માટે બજારભાવ કરતા ચાર થી પાંચ ગણી રકમ ચુકવાઇ હતી જેના કારણે તત્કાલીન કમિશનરે બિલ ફાઇલ પર સહી કરી નહતી. આવા તમામ કારણોસર મ્યુનિસિપલ કમિશનરે તાકીદે તેમની બદલી કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.