માર્ગ સલામતીને પ્રોત્સાહન આપવા સ્ટર્લિંગ હોસ્પિટલે અમદાવાદમાં હેલ્મેટ જાગૃતિ અભિયાન શરૂ કર્યું

વર્લ્ડ ટ્રોમા ડેના દિવસે યોજાયેલા આ જાગૃતતા કાર્યક્રમનો ઉદ્દેશ હેલ્મેટ પહેરવા માટેની જાગૃતતા વધારવા અને ટાળી શકાય તેવી શારીરિક ઇજાઓ ઘટાડવાનો હતો
અમદાવાદ, અમદાવાદ ટ્રાફિક પોલીસના સમર્થન સાથે સ્ટર્લિંગ હોસ્પિટલ્સે જવાબદાર રીતે વાહન ચલાવવાની ટેવોને પ્રોત્સાહન આપવા અને માર્ગ અકસ્માતથી થતી માથાની ઇજાઓને ટાળવા માટે વર્લ્ડ ટ્રોમા ડેના દિવસે માર્ગ સલામતી હેલ્મેટ જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું. ટુ-વ્હીલર ચલાવનારાઓમાં સુરક્ષાના સંદેશને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી શરૂ કરાયેલી આ પહેલમાં ટાળી શકાય તેવી શારીરિક ઇજાઓ ઘટાડવા અને સમગ્ર શહેરમાં માર્ગ સલામતી વધારવા માટે હેલ્મેટના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
અમદાવાદમાં મેમનગર વિસ્તારમાં હેલ્મેટ સર્કલ ખાતે શુક્રવારે, 17 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9.30 કલાકે આ અભિયાનનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ શ્યામલ ચાર રસ્તા અને વાયએમસીએ ક્લબ ચાર રસ્તા સહિતના કુલ ત્રણ ટ્રાફિક જંક્શનને આવરી લેવામાં આવ્યા હતા. દરેક લોકેશન પર સ્વયંસેવકો અને ટ્રાફિક પોલીસે, જેમણે હેલ્મેટ ન પહેર્યું હોય તેવા ટુ-વ્હીલરચાલકો સાથે વાતચીત કરી હતી અને હેલ્મેટનો ઉપયોગ કરવાથી પોતાનો જીવ બચાવી શકાય છે તેવા ફાયદા અંગે તેમને માહિતગાર કર્યા હતા.
સારી ભાવનાના પ્રતીકરૂપે અને તાત્કાલિક કાર્યવાહીને પ્રોત્સાહન આપવા માટે, ટુ-વ્હીલરચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું, જેણે સુરક્ષા અને જવાબદારીના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. આ પહેલથી નાગરિકોને ન કેવળ શિક્ષિત થયા, પણ તેમને ઇજાઓનું જોખમ ઓછું કરવા માટે સલામત રીતે વાહન ચલાવવા માટેની પ્રેરણા પણ મળી હતી.
આ પહેલ વિશે વધુમાં જણાવતા સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, અમદાવાદ ઝોનના ઝોનલ ડિરેક્ટર શ્રી રમણ ભાસ્કરે જણાવ્યું હતું કે, “હેલ્મેટ પહેરવી એ એક સરળ છતાં શક્તિશાળી કામ છે જે ટાળી શકાય તેવી ઇજાઓનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે અને તેનાથી અસંખ્ય લોકોના જીવ બચી શકે છે. આ માર્ગ સલામતી હેલ્મેટ જાગૃતિ અભિયાનનો અમારો ધ્યેય લોકોને રસ્તા પર પોતાને સુરક્ષિત રાખી શકે તેવા જ્ઞાન અને સાધનોથી સશક્ત બનાવવાનો છે. આ પહેલને સફળ બનાવવામાં અને સુરક્ષિત અમદાવાદ બનાવવાના અમારા મિશનમાં અમારી સાથે જોડાવા બદલ અમે અમદાવાદ ટ્રાફિક પોલીસના ખૂબ આભારી છીએ.”
અમદાવાદ ટ્રાફિક પોલીસના સમર્થનથી, આ જાગૃતિ અભિયાનમાં પાયાના સ્તરે સરળ સંકલન જોવા મળ્યું હતું જેનાથી અભિયાનનો સંદેશ મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચ્યો હતો. ટ્રાફિક પોલીસકર્મીઓએ સક્રિયપણે આ અભિયાનમાં જોડાઈને અમદાવાદના રસ્તાઓને સુરક્ષિત બનાવવા માટેની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. શહેરના વાહનચાલકોએ પણ તેના માટે સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. અનેક લોકોએ આ પહેલની પ્રશંસા કરી હતી અને હેલ્મેટના ઉપયોગને રોજની આદત બનાવવાનું વચન આપ્યું હતું.
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ સામુદાયિક સુખાકારી, ઇમર્જન્સી કેર અને ઇજાઓ ટાળવાને પ્રાથમિકતા આપવાના તેના મિશનમાં અડગ રહે છે. માર્ગ સલામતી હેલ્મેટ જાગૃતિ અભિયાન જેવી પહેલ હાથ ધરીને હોસ્પિટલ સુરક્ષિત તથા સ્વસ્થ અમદાવાદને પ્રોત્સાહન આપવાના પ્રયાસોનું સતત નેતૃત્વ કરે છે તથા નાગરિકોને જીવન બચાવી શકે તેવી જવાબદારીપૂર્ણ ટેવો અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.