120 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી ટ્રેન અંબાલિયાસન-બીજાપુર સેક્શન પર

૪૨ કિમીનું અંતર ૨૫ મિનિટમાંજ પૂરૂ કર્યું, સરેરાશ ગતિ ૧૦૧ કિમી પ્રતિ કલાકથી વધુ હતી.
Ahmedabad, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનના આંબલિયાસન-વિજાપુર સેક્શન (42.32 કિમી) પર ગેજ રૂપાંતરણનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સેક્શનનું સલામતી નિરીક્ષણ 16 અને 17 ઓક્ટોબર, 2025 ના રોજ પશ્ચિમ સર્કલના રેલવે સંરક્ષા કમિશનર (CRS) શ્રી ઇ. શ્રીનિવાસ દ્વારા કરવામાં આવ્યું હતું. અંતિમ સલામતી મંજૂરી મળ્યા પછી, આ રૂટ પર ટ્રેનો ચલાવી શકાશે.
આ સેક્શનને મે 2022 માં ₹415.37 કરોડના ખર્ચે મીટર ગેજથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ સેક્શન હવે મુસાફરો માટે આધુનિક, સલામત અને સરળ ટ્રેન સંચાલન માટે લગભગ તૈયાર છે. રેલવે સંરક્ષા કમીશનર (વેસ્ટર્ન સર્કલ) દ્વારા હાથ ધરવામાં આવેલ વૈધાનિક નિરીક્ષણ કાર્યરત થતાં પહેલાં એક જરૂરી પગલું છે.
નિરીક્ષણ ટીમે સ્ટેશન સુવિધાઓ, ટ્રેક ભૂમિતિ, વળાંકો, પુલ અને રોડ અંડર બ્રિજ (RUBs) નું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું. આમાં બે મુખ્ય પુલ, 51 નાના પુલ અને 45 નવા રોડ અંડર બ્રિજ (RUBs)નો સમાવેશ થાય છે. સલામતીના કારણોસર, લેવલ ક્રોસિંગ નજીક ફેન્સિંગ દ્વારા રેલવે લાઇનને સુરક્ષિત કરવામાં આવી છે, અને આ સેક્શન પર કુલ ચાર લેવલ ક્રોસિંગ છે.
17 ઓક્ટોબર, 2025 ના રોજ, વિવિધ સ્થળોએ વિગતવાર નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. કુકરવાડાથી વિજાપુર સુધી આશરે 15 કિમી સુધી ટ્રોલી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આંબલિયાસણ-વિજાપુર સેક્શન (42.32 કિ.મી.) પર 120 કિ.મી./કલાકની ઝડપે ગતિ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન શ્રી ઇ. શ્રીનિવાસ, પશ્ચિમ રેલવેના રેલવે સંરક્ષા કમીશનર (CRS), શ્રી વેદ પ્રકાશ ડિવિઝનલ રેલવે મેનેજર અમદાવાદ, શ્રી પ્રદીપ ગુપ્તા મુખ્ય વહીવટી અધિકારી (બાંધકામ) અને અન્ય સિનિયર અધિકારીઓ ઉપસ્થિત હતા.
કુકરવાડા સ્ટેશન પર પ્લેટફોર્મની ઊંચાઈ, કૉપિંગ અને એન્ડ પાથવેની તપાસ કરવામાં આવી. RUB નં. 65B માં ઊંચાઈ, ગેજ અને ડ્રેનેજની વ્યવસ્થા જોવામાં આવી, સાથે જ MDD (મહત્તમ ડ્રાય ડેન્સિટી) પરીક્ષણ, બેંક ઢોળાવ અને સેસની પહોળાઈની પણ તપાસ કરવામાં આવી.
તેવી જ રીતે, ગેરીતા-કોલવાડામાં પ્લેટફોર્મનું માપ અને એન્ડ પાથવેની તપાસ કરવામાં આવી. RUB નં. 79B ની ઊંચાઈ, ગેજ, ડ્રેનેજ અને પગપાળા માર્ગની વ્યવસ્થા જોવામાં આવી. વિજાપુર સ્ટેશન પર, ટ્રેકના વિવિધ પાસાઓનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું. પ્લેટફોર્મ કૉપિંગ, ઊંચાઈ અને એન્ડ પાથવેની તપાસ કરવામાં આવી. વિજાપુર સ્ટેશન પર સબવેનું નિરીક્ષણ કરવામાં આવ્યું, સાથે જ યાત્રીઓની સુવિધાની પણ તપાસ કરવામાં આવી.
આ ગેજ રૂપાંતરણ પરિયોજનાથી યાત્રીઓ અને પ્રદેશને અનેક ફાયદાઓ મળશે. માલગાડીઓ સંચાલન સુનિશ્ચિત થશે, અને આ સેક્શનના ચાલુ થવાથી વિજાપુર પ્રદેશમાંથી દેશના બાકીના ભાગોમાં કપાસ, ઘઉં, બટાકા,ટોબેકો અને તેલ ઉત્પાદનોની આપૂર્તિ સરળતાથી થઈ શકશે, જેનાથી વેપારને પ્રોત્સાહન મળશે અને પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ મળશે. અગાઉ રોડ દ્વારા પરિવહન કરવામાં આવતુ હતું, હવે રેલવે દ્વારા વધુ ઝડપથી મોકલી શકાશે. આનાથી સ્થાનિક વેપારીઓને ફાયદો થશે અને રેલવેની આવકમાં વધારો થશે.
યાત્રીઓને ઉત્તમ અને ઝડપી રેલવે સંપર્ક ઉપલબ્ધ થશે, વિશેષ રૂપે ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અપગ્રેડેડ સંરચના અને આધુનિક સુરક્ષા ઉપાયોની સાથે યાત્રા હવે વધુ સુરક્ષિત અને સુવિધાજનક થશે.