જર્મન અને ઓસ્ટ્રિયન કંપનીઓએ ગિફ્ટ સિટીમાં તકો શોધવા માટે રસ દર્શાવ્યો

- ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે ફાઇનાન્સ, ટેક્નોલોજી અને ઇનોવેશનમાં સહયોગની તકો શોધવા માટે Infineon Technologies, Mutares SE &Co., Siemens Financial Services, Allianz Partners, Munich Re અને Knorr-Bremse સહિતની અગ્રણી કંપનીઓના સિનિયર એક્ઝિક્યુટિવ્સની મુલાકાત કરી
- 60થી વધુ જર્મન બિઝનેસ લીડર્સે મ્યુનિકમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા ઓફિસ દ્વારા આયોજિત ઇવનિંગ બિઝનેસ ઇવેન્ટ જર્મન ઇનોવેશન સમિટમાં હાજરી આપી હતી જેમાં ગિફ્ટ સિટીને ભારતીય બજારમાં પ્રવેશી રહેલી યુરોપિયન કંપનીઓ માટેના વ્યૂહાત્મક પ્રવેશદ્વાર તરીકે રજૂ કરવામાં આવી હતી.
- ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે 39મા Alpbacher Finanzsymposium માં ભાગ લીધો હતો અને અગ્રણી ઓસ્ટ્રિયન કંપનીઓના સીએફઓ, સીઈઓ અને ટ્રેઝરર્સ સહિતના 400થી વધુ સિનિયર બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરી હતી
- ફાઇનાન્શિયલ સર્વિસીઝ, આરએન્ડડી અને ટકાઉ નવીનતામાં તકોની ચર્ચા કરવા માટે ફેડરેશન ઓફ ઓસ્ટ્રિયન ઇન્ડસ્ટ્રીઝ, ફાઇનાન્સ ટ્રેનર ઇન્ટરનેશનલ અને WU Vienna જેવા મહત્વના જૂથો સાથે મીટિંગ્સ યોજાઈ હતી
ગાંધીનગર, ઓસ્ટ્રિયા, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડના અગ્રણી સંસ્થાનોએ ગત સપ્તાહે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર તથા ગ્રુપ સીઈઓ શ્રી સંજય કૌલના નેતૃત્વ હેઠળ ઓસ્ટ્રિયા અને જર્મનીમાં યોજાયેલા ઉચ્ચ સ્તરના રોડશૉ દરમિયાન ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં બિઝનેસની તકો શોધવા માટે મજબૂત રસ દર્શાવ્યો છે. ગિફ્ટ સિટી એ ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર (આઈએફએસસી) અને રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ છે.
આ મુલાકાત ગિફ્ટ સિટીના વૈશ્વિક જોડાણને ગહન બનાવવામાં અને તેની નાણાંકીય સેવાઓ, ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ (જીસીસી) તથા આરએન્ડડી સંચાલિત નવીનતાઓ માટેના પસંદગીના સ્થળ તરીકે સ્થાપિત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહી હતી. જર્મની અને ઓસ્ટ્રિયા બંને દેશોના સંસ્થાનોએ આઈએફએસસી તરીકે ગિફ્ટ સિટીના સ્ટેટસ, તેના પ્રગતિશીલ નિયમનકારી માળખા, નીતિવિષયક પ્રોત્સાહનો તથા સેન્ટર ઓફ એક્સીલન્સ, ગ્લોબલ ઇન-હાઉસ સેન્ટર્સ, આરએન્ડડી સુવિધાઓ તથા રિસ્ક મેનેજમેન્ટ કામગીરીઓ સ્થાપવા માટે કુશળ કર્મચારીઓનો લાભ લેવામાં ઊંડો રસ દર્શાવ્યો છે.
ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે Infineon Technologies, Siemens Financial Services, Allianz Partners, Munich Re, Mutares SE & Co. KGaA, Knorr-Bremse, Start2 Group અને અન્ય સંસ્થાનોનાના સિનિયર એક્ઝિક્યુટિવ્સ સાથે વ્યૂહાત્મક ચર્ચાઓ હાથ ધરી હતી.
શ્રી કૌલે જણાવ્યું હતું કે ગિફ્ટ સિટી એ ઝડપ, વિસ્તરણ અને નિયમનકારી સ્પષ્ટતા ઇચ્છતા વૈશ્વિક સંસ્થાનો માટે વ્યૂહાત્મક કેન્દ્ર તરીકે ઊભરી રહી છે. જર્મની અને ઓસ્ટ્રિયામાં અમારી વાતચીતે દ્વિપક્ષી વ્યવસાયિક સંબંધોને વિસ્તારવા અને ફાઇનાન્સ, ટેક્નોલોજી તથા ઇનોવેશનમાં ઉચ્ચ મૂલ્ય ધરાવતી કામગીરી માટે ગિફ્ટ સિટીની ઇકોસિસ્ટમનો લાભ લેવા માટે સહિયારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી.
આ મુલાકાત દરમિયાન શ્રી કૌલે ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષોની ઉજવણીના પ્રસંગે મ્યુનિકમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત એક વિશેષ સમારંભ ખાતે 60થી વધુ જર્મની બિઝનેસ લીડર્સને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બંને દેશો વચ્ચે ઔદ્યોગિક અને નાણાંકીય સહયોગ માટે વ્યાપક અવકાશ રજૂ કરવામાં આવ્યો હતો. ગિફ્ટ સિટીએ ભારતમાં કામગીરી સ્થાપવા અ વધારવા માટે જર્મન કંપનીઓ માટે લાભદાયક તકો રજૂ કરી હતી.
ઓસ્ટ્રિયામાં ગિફ્ટ સિટીના પ્રતિનિધિમંડળે 39મા Alpbacher Finanzsymposium માં ભાગ લીધો. આ અગ્રણી ફાઇનાન્શિયલ કોન્ફરન્સમાં ઓસ્ટ્રિયન, જર્મન અને સ્વિસ કંપનીઓના સીએફઓ, સીઈઓ અને ટ્રેઝરર સહિત 400થી વધુ વરિષ્ઠ બિઝનેસ લીડર્સે હાજરી આપી હતી. તેઓ ફેડરેશન ઓફ ઓસ્ટ્રિયન ઇન્ડસ્ટ્રીઝ, ફાઇનાન્સ ટ્રેનર ઇન્ટરનેશનલ અને WU Vienna જેવા મુખ્ય ટ્રેડ ગ્રુપના પ્રતિનિધિઓને પણ મળ્યા હતા.
ઓસ્ટ્રિયામાં ભારતના રાજદૂત શ્રી શંભુ એસ. કુમારને એક વિશેષ સંબોધનમાં ભારતના વધતા આર્થિક પ્રભાવ પર ભાર મૂક્યો હતો અને ઓસ્ટ્રિયન કંપનીઓને વૈશ્વિક સ્તરે જોડાયેલા એશિયન કેન્દ્ર ગિફ્ટ સિટી દ્વારા વ્યવસાયિક તકો શોધવા માટે આમંત્રણ આપ્યું હતું. રાજદૂતે નાણાંકીય સેવાઓ, ટેકનોલોજી અને ટકાઉ નવીનતામાં સહયોગની સંભાવના પર પણ પ્રકાશ પાડ્યો હતો.
આ સફળ રોડ શૉએ ભારતના અગ્રણી આંતરરાષ્ટ્રીય નાણાંકીય અને વ્યવસાયિક કેન્દ્ર તરીકે ગિફ્ટ સિટીના વધતા કદની પુનઃપુષ્ટિ કરી હતી જે વૈશ્વિક બજારોને જોડે છે, સીમા પારના સહયોગને પ્રોત્સાહન આપે છે અને નવીનતા-આધારિત વૃદ્ધિના હવે પછીના તબક્કાને આગળ ધપાવે છે.