ગાંધીગ્રામ રેલવે પરિસરમાં સ્વચ્છતા અભિયાનનું સફળ આયોજન

માહિતી અને પ્રસારણ મંત્રાલયનાં વિવિધ વિભાગો તથા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનના સંયુકત ઉપક્રમે સ્વચ્છતા અભિયાન વિશેષ ઝુંબેશ 5.0 હેઠળ સફાઈ અભિયાન હાથ ધરાયું
પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો PIB, કેન્દ્રીય સંચાર બ્યૂરો અને પ્રકાશન વિભાગ તથા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અમદાવાદના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
કેન્દ્ર સરકારની કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સંસ્થાગત સ્વચ્છતા અને પેન્ડિંગ ફાઇલોની સંખ્યા ઘટાડવાનો હેતુ ધરાવતા વિશેષ ઝુંબેશ 5.0 કાર્યક્રમનો 2 થી 31 ઓક્ટોબર 2025 દરમ્યાન દેશભરમાં અમલ થઈ રહ્યો છે. આ ઝુંબેશના ભાગરૂપે ગુજરાતમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB), કેન્દ્રીય સંચાર બ્યૂરો અને પ્રકાશન વિભાગ તથા ગાંધીગ્રામ રેલવે સ્ટેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ગાંધીગ્રામ રેલવે પરિસરમાં સ્વચ્છતા અભિયાનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
PIB અમદાવાદના સહાયક નિયામક શ્રીમતી સુમન મછાર તથા ગાંધીગ્રામ રેલવે સ્ટેશનના પ્રબંધક શ્રી અજય કુમાર ચૌહાણના માર્ગદર્શન હેઠળ આ અભિયાન સફળતાપૂર્વક અમલમાં મૂકાયું હતું. મંત્રાલયના ત્રણેય વિભાગો અને રેલવે સ્ટેશનના અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લેતાં સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિના સંદેશને આગળ વધાર્યો હતો.
આ પહેલ દ્વારા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો, કેન્દ્રીય સંચાર બ્યૂરો અને પ્રકાશન વિભાગ “સ્વચ્છ ભારત અભિયાન”ના મૂલ્યો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી અને નાગરિકોને પણ સ્વચ્છતા અને પર્યાવરણ માટે સક્રિય ભાગીદાર બનવા પ્રેરિત કર્યા હતા.
તા. 2 ઓક્ટોબરથી શરુ થયેલી આ વિશેષ ઝુંબેશ હેઠળ અગાઉ કાર્યાલય અને કાર્યાલયની આસપાસમાં તેમજ શહેરના અન્ય વિસ્તારોમાં પણ સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.