નહેરૂનગર-શિવરંજની રોડ પરથી રંબલ સ્ટ્રીપ બમ્પ દૂર કરાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મહાનગર પાલિકા ના ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઇન્ડિયન રોડ કોંગ્રેસ, રોડ સેફટી વિભાગ તથા ટ્રાફિક પોલીસ વિભાગની ભલામણ અનુસાર શહેરના વિવિધ ઝોનમાં અંદાજે ૩૫૦ થી ૪૦૦ સ્થળોએ થર્મોપ્લાસ્ટ રંબલ સ્ટ્રીપ (બમ્પ) બનાવવામાં આવ્યા છે.
દરેક રંબલ સ્ટ્રીપ બનાવવા પાછળ આશરે રૂ. ૧૨,૦૦૦/- જેટલો ખર્ચ થાય છે. નેહરુનગર થી ઝાંસીના રસ્તા પર આવેલ એક પેટ્રોલ પંપ નજીક બમ્પના કારણે સર્જાયેલા અકસ્માતમાં જમાલપુર વિસ્તારમાં રહેતા બે નાગરિકોના મૃત્યુ થયા છે.
સ્થાનિક રહેવાસી લલિતભાઈ જૈન ના જણાવ્યા મુજબ છેલ્લા બે થી અઢી મહિનાથી ઉક્ત સ્થળે વારંવાર નાના મોટા અકસ્માતો બનતા હતા.તેમજ મોટા વાહનો પસાર થાય ત્યારે ઘરમાં ભૂકંપ આવ્યો હોય તેવી ધ્રુજારી આવતી હતી.આ વિસ્તારમાં આવેલ હરીદર્શન સોસાયટી, કલાધામ સોસાયટી, ગેલેક્સી મોલ, એચ.ડી.એફ.સી.બેંકમાં આવા અનુભવ સતત થયા કરતા હતા.
સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત થતાં ટ્રાફિક પ્રોજેક્ટ વિભાગ દ્વારા આજરોજ ઉક્ત સ્થળેથી થર્મોપ્લાસ્ટ રંબલ સ્ટ્રીપ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વિભાગના જવાબદાર અધિકારીઓએ જણાવ્યું છે કે અગાઉ ચંદ્રનગર વિસ્તારમાં પણ રહેવાસીઓના વિરોધ બાદ આવા રંબલ સ્ટ્રીપ દૂર કરવામાં આવ્યા હતા.
થર્મોપ્લાસ્ટની એક લેયરની જાડાઈ આશરે ૨.૫ મિમી હોય છે. સામાન્ય રીતે ત્રણ લેયર લગાવવામાં આવતી હોવાથી કુલ જાડાઈ આશરે ૭.૫ મિમી થાય છે, જેના કારણે વાહનચાલકો ઝડપમાં આવતા ગભરાઈ જાય છે અને સંતુલન ગુમાવે છે.
પરિણામે અકસ્માત સર્જાય છે. રોડ સેફટી અને ૈંઇઝ્રના નિયમો અનુસાર, આવા બમ્પ પહેલા ચેતવણીરૂપ સાઇન બોર્ડ લગાવવાની ફરજિયાત જરૂર છે. પરંતુ અનેક સ્થળોએ આવા બોર્ડ ન હોવાથી નાગરિકોને પૂર્વ ખ્યાલ મળતો નથી અને અકસ્માતોની સંખ્યા વધે છે.