સાબરકાંઠાના મજરા ગામે જૂથ અથડામણઃ પોલીસે ૬૦ લોકો સામે ગુનો દાખલ કર્યો, ર૦ની ધરપકડ

(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ગામમાં શુક્રવારે (૧૮ ઓક્ટોબર) રાત્રે એક ધાર્મિક કાર્યક્રમને લઈને બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થતા હિંસાનું તાંડવ સર્જાયું હતું. નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો.
આ હિંસક અથડામણમાં લગભગ ૨૦ જેટલા ગ્રામજનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને હવે આ મામલે ૬૦ લોકો સામે નામજોગ અને ૧૨૦ લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે.
પોલીસે હિંસા આચરનારા અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ૬૦ જેટલા લોકોની નામજોગ ફરિયાદ અને અન્ય ૫૦ જેટલા લોકો સહિત કુલ ૧૧૦થી વધુના ટોળા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે આ મામલે ૨૦ લોકોની અટકાયત પણ કરી છે અને ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ધરપકડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હાલ ગામમાં શાંતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, તોફાની બનેલા ૧૧૦થી વધુના ટોળાએ હિંસક બનીને ગામમાં રહેલી મિલકતોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. હુમલાખોરોએ એક જ કોમના લોકોને નિશાન બનાવીને તેમના વાહનો અને રહેણાંક મકાનો પર હુમલો કર્યો હતો. નજીવી બાબત અને જૂની અદાવતમાં શરૂ થયેલો વિવાદ જોતજોતામાં પથ્થરમારા અને હુમલામાં ફેરવાઈ ગયો હતો.
આ હુમલામાં કુલ ૨૬ કાર, ૫૧ બાઇક, ૬ ટેમ્પો (૨ મોટા અને ૪ મિની), અને ૩ ટ્રેક્ટર સહિત ૯૬થી વધુ વાહનોમાં આગચંપી અને વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૧૦ જેટલા મકાનોને પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેના કારણે કરોડોનું મોટું નુકસાન થયું છે. આ હિંસક ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસનો મોટો કાફલો તુરંત જ મજરા ગામ પહોંચી ગયો હતો અને સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.