Western Times News

Gujarati News

દેરાસરમાં 117 કિલો ચાંદી ચોરી કરનારા પૂજારી પ્રેમિકા માટે કરતો હતો ચોરી

અમદાવાદના જૈન દેરાસરમાં ૧.૬૪ કરોડની ચાંદીની ચોરીમાં મોટો ખુલાસો- પ્રેમિકા પુરીબેનના સાથે મોજશોખ કરવા કરતો હતો ચોરી

અમદાવાદ,  અમદાવાદના પાલડીમાં આવેલ જૈન દેરાસરમાં થયેલા ચાંદી ચોરી મામલે પોલીસે એક મહિલા સહિત ૪ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે લાખો રૂપિયાનો ચાંદીનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે.

અમદાવાદના પાલડીના શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થયેલા ૧.૬૪ કરોડના દાગીના ચોરી મામલે પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે ચોરી કરવામાં ત્રણ આરોપી હતા. જ્યારે ચોરીના માલનો વહીવટ કરનાર બે આરોપીઓ છે.

ત્રણ આરોપીઓ દેરાસરમાંથી ટુકડે ટુકડે ચોરી કરતા હતા અને બીજા બે આરોપીઓને આપી દેતા હતા. બંને આરોપીઓ ચોરી કરેલું ચાંદી બજારમાં વેચી દેતા હતા તેના પૈસાથી ચોરીના ચાંદીની ઓળખ ના થાય માટે નવું ચાંદી ખરીદી લેતા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, પાલડીમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં થોડા સમય અગાઉ દેરાસરના પૂજારી અને સફાઈ કર્મચારી દંપત્તિએ કુલ ૧.૬૪ કરોડ રૂપિયાના ચાંદીના દાગીના અને આ અંગેની ચોરી કરી હોવાની પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. આ ફરિયાદમાં મંદિરના પૂજારી મેહુલ રાઠોડ, સફાઈ કર્મચારી કિરણ અને તેની પત્ની પુરીનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ફરિયાદ થતા જ પોલીસે સૌપ્રથમ સફાઈ કર્મચારી પુરીની ધરપકડ કરી હતી. જે બાદ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.

ચોરી કરનાર મુખ્ય આરોપી મેહુલ અને કિરણ ફરિયાદ થતાં જ ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે બોલેરો પીકઅપ સાથે તથા ચોરીના ચાંદી સાથે બંને આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપી મેહુલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, છેલ્લા ૧૫ વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકે સેવા આપે છે.

અઢી વર્ષ પહેલા મૂર્તિઓની પાછળ જીવાત થતી હોવાથી દેરાસરના ટ્રસ્ટીઓની સૂચના મુજબ મૂર્તિની પાછળનું ચાંદીનું જડતર ઉતારી દેરાસરને નીચેના ભાગે આવેલા ભયરામાં મૂકી રાખવામાં આવ્યું હતું. જેની ચાવી મેહુલ પાસે હતી. તેથી મેહુલ ત્યારથી જ કટર વડે કટીંગ કરી ચાંદી ચોરી કરતો હતો અને સફાઈ કર્મચારી કિરણની મદદથી આ ચાંદી મંદિર બહાર લઈ જતા હતા.

મેહુલ ચોરી કરેલું ચાંદી કટર વડે કટીંગ કરીને રોનક શાહ અને સંજય જાગરિયા નામના આરોપીને વેચી દેતો હતો. ટુકડે ટુકડે મંદિરનું તમામ જડતર મેહુલે રોનક શાહ અને સંજયને વેચી દીધું હતું. આ જડતર પૂરું થયા બાદ ભગવાનના કુંડળ,મુકુટ અને આંગી પણ મેહુલે ચોરીને રોનક તથા સંજયને વેચી દીધી હતી. રોનક અને સંજય વેપારી હતા. તેઓ ચોરીના ચાંદીના દાગીના અને જડતર બજારમાં જઈને શરાફ પેઢીમાં ગાળવા આપી દેતા હતા. તે ગાળ્યા બાદ તેના પૈસા લઈને આરોપીઓ તે પૈસાથી જ નવા ચાંદીની ખરીદી કરી લેતા હતા.

ચોરી થયેલા ચાંદીની ઓળખ ના થાય તે માટે તેને ગાળવા આપીને તેના પૈસા મેળવી લેતા હતા અને તેની સામે જ નવું ચાંદી પણ ખરીદી લેતા હતા. આરોપીઓએ બે વર્ષમાં ૧૧૭ કિલોથી વધુ ચાંદીની ચોરી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપી પાસેથી ૪૮ કિલો ચાંદી રિકવર પણ કર્યું છે. આ ઉપરાંત ૭૯ હજાર રૂપિયાના રોકડ અને બોલેરો પીકઅપ પણ કબજે કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.