બિહારની વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધતાં મુખ્યમંત્રી

એન.ડી.એ.ના નેતૃત્વમાં બિહારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ બિહારના એક દિવસીય ચૂંટણી પ્રવાસે છે. બિહારમાં તેઓ ગયાજી જિલ્લાની વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ભાજપના ઉમેદવાર શ્રી વિરેન્દ્રસિંહના નામાંકનમાં ઉપસ્થિત રહ્યાં હતા. નામાંકન પહેલા તેમણે વિશાળ ચૂંટણી સભા પણ સંબોધી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને તેનો લાભ બિહારના જન જન સુધી પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એન.ડી.એ.ની સરકારની વિકાસલક્ષી નીતિઓના કારણે બિહારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એટલું જ નહિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ડબલ સ્પીડથી થયો છે અને બિહારને વધુ સુદ્રઢ કનેક્ટિવિટી મળી છે.
બિહારના બહુમુખી વિકાસ માટે બિહારમાં એન.ડી.એ. સરકાર જરૂરી છે તેમ જણાવતા તેમણે કહ્યું કે, બિહારની ગણના આજે દેશના ઝડપથી વિકસી રહેલા રાજ્યમાં થાય છે. બિહારના આ વિકાસને જાળવી રાખવા માટે તેમણે લોકોને એન.ડી.એ.ના તમામ ઉમેદવારોને જીતાડવા માટે જંગી મતદાન કરવાની અપીલ કરી હતી.