કોટેશ્વર-સુઘડની પ૦ હેકટર જમીનનો ઝોન ફેર કરવા ઔડાનો મહત્વનો નિર્ણય

ગોધાવી સ્પોર્ટસ સંકુલમાં મેમ્બરશીપ ફી અને એન્ટ્રી ફીમાં ઘટાડો કરવાનો ઔડા બેઠકમાં નિર્ણય
(એજન્સી)અમદાવાદ, અમદાવાદથી ગાંધીનગર વચ્ચે આવેલા કોટેશ્વર અને સુઘડ વિસ્તારની હાઈવે આસપાસની પ૦ હેકટરની ઝોન ફેર કરવાનો નિર્ણય ઔડા બોર્ડ બેઠકમાં લેવાયો છે.
કોટેશ્વર અને સુઘડ વિસ્તાર ઔડામાં સમાવ્યો છે. ત્યાંના અરજદારોએ કોટેશ્વર-સુઘડની જુદાજુદા સર્વે નંબરની જમીનનાં હેતુફેર માટે રાજય સરકારમાં રજુઆત કરી હતી. તેને ધ્યાને લઈ ટીપી સ્કીમનું આયોજન કરાયું હતું.
અને તે વિસ્તારોમાં માળખાકીય સુવિધા ઉપલબ્ધ થઈ શકે તથા નજીકમાં સ્પોર્ટસ સંકુલ આવેલું હોવાથી તદઉપરાંત આ જમીનો અમદાવાદ ગાંધીનગર સંકળાયેલી હોવાથી નાગરીક સુવિધા માટે આશરે પ૦ હેકટર જમીનનો ઝોન ફેર કરવાની દરખાસ્ત રાજય સરકારની મંજુરી માટે મોકલવાનો નિર્ણય ઔડાની બોર્ડ બેઠકમાં લેવાયો હતો. આ નિર્ણયથી કોટેશ્વર-સુઘડ વિસ્તારની જમીનની કિમતમાં ઉછાળો આવશે તેમ મનાઈ રહયું છે. આ વિસ્તારમાં રહેણાંક અને કોમર્શીયલ સ્કીમો બનશે.
ગોધાવી મણીપુર ટીપી સ્કીમ ૪ર૯ અંતર્ગત પ્રાપ્ત થયેલા રીર્ઝવ પ્લોટમાં ઔડાએ આધુનીક સ્પોર્ટસ કોમ્લેપ્લેક્ષ તૈયાર કયું છે. આ સ્પોર્ટસ સંકુલનો નાગરીકો લાભ લઈ શકે તે માટે મેમ્બરશીપ ફી એન્ટ્રી ફી નકકી કરવામાં આવી હતી.
પરંતુ મેમ્બરશીપ ફી અને એન્ટ્રી ફી અંગે સ્થાનીક સ્તરેથી તેમજ આગેવાની તરફથી મળેલી રજુઆતને પગલે ઔડા બોર્ડ બેઠકમાં સીનીયર સીટીઝન અને ૧ર વર્ષથી નાના બાળકો માટે એક મહીનાથી મેમ્બરશીપ ફી ૬૦૦ને બદલે ૩૦૦ તેમજ સામાન્ય કેટેગરી માટે ૮૦૦ને બદલે ૩૦૦ રાખવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ છ મહીનાની મેમ્બરશીપ ફી સીનીયર સીટીઝન અને ૧ર વર્ષથી નીચેના બાળકોમાટે ૩૬૦૦ને બદલે ૧૮૦૦ તથા સામાન્ય કેટેગરી માટે ૪૭૦૦ને બદલે ૧૮૦૦ રાખવનો નિર્ણય લેવાયો હતો.
ગોધાવીના સ્પોર્ટસ સંકુલમાં દિવસ દરમ્યાન સુવિધાઓનાં ઉપયોગ કરવા માટે દૈનિક ધોરણે એન્ટ્રી ફી રૂ.ર૦ નકકી કરાઈ છે. ઔડા વિસ્તારમાં આવેલાં વામજ ગામનાં રેવન્યુ સર્વે નંબર ૧૦૩૮,૧૦૬૪ અને ૧૦૬૭ની જમીનમાં મેડીકલ કોલેજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ જમીન પ્રાઈમ એગ્રીકલ્ચર ઝોનમાં આવતી હોઈ ઝોન ફેર કરવાની દરખાસ્ત સરકારમાં મોકલવાનો ઠરાવ પણ મંજુર કરાયો હતો.