EWSના મકાનો ભાડે આપનાર ૩૬૭ લોકોને મ્યુનિ. કોર્પોરેશને નોટીસ ફટકારી

પ્રતિકાત્મક
અત્યાર સુધીમાં ૫૬૧૧ જેટલા આવાસોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. તેમાંમાંથી ૩૬૭ જેટલા મકાનો શંકાસ્પદ જણાતા મ્યુનિ. દ્વારા તમામ લાભાર્થીઓને નોટીસ પાઠવવામાં આવી છે.
(પ્રતિનિધિ) અમદાવાદ, ઇડબ્લ્યુએસના મકાનો મળ્યા બાદ કેટલાક લોકોએ તે મકાનો ભાડે આપીને કમાણી કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા છ મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા મામલાઓ પર તવાઈ લાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૫૬૧૧ જેટલા આવાસોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. તેમાંમાંથી ૩૬૭ જેટલા મકાનો શંકાસ્પદ જણાતા મ્યુનિ. દ્વારા તમામ લાભાર્થીઓને નોટીસ પાઠવવામાં આવી છે.
મુખ્યમંત્રી આવાસ યોજનામાં ખોટા દસ્તાવેજના આધારે મકાન મેળવ્યા બાદ તેને ભાડે આપવાની કે વેચી દેવાની પ્રવૃત્તિ સામે મ્યુનિ. સતત તપાસ કરી રહી છે. અચાનક ચકાસણી દરમિયાન જાણવા મળ્યું કે અનેક મકાનોમાં મૂળ લાભાર્થીની જગ્યાએ અન્ય વ્યક્તિ રહેતી હતી. આવી જગ્યાઓની ચકાસણી બાદ તંત્ર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો હતો અને કેટલાક કિસ્સાઓમાં મકાન સીલ કરી દેવામાં આવ્યા હતા.
હાલ સુધી, મ્યુનિસિપલ તંત્ર દ્વારા એક પણ લાભાર્થીનું મકાન જપ્ત કરાયું નથી, પરંતુ તપાસ ચાલુ છે. અત્યાર સુધી ૩૫ જેટલા મકાનો સીલ કરાયા છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિ બોગસ દસ્તાવેજના આધારે મકાન મેળવી તેનું ભાડે આપવાની પ્રવૃત્તિ કરશે તો તેના સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. જરૂરિયાત મંદ લોકો માટેની આ યોજના કેટલાક તત્વો માટે નફો મેળવવાનો માધ્યમ ન બને તે માટે તંત્ર સજાગ બની રહ્યું છે.