Western Times News

Gujarati News

ગેમ રમવાના ચક્કરમાં બે યુવકો લાખો રૂપિયાના જંગી દેવામાં સપડાયા

વડોદરા, આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ યુવાનોમાં માઝા મૂકી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરમાંથી બે ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, જેણે ઓનલાઈન ગેમિંગની લતની ગંભીર અસરો પરિવારને ભોગવવાનો વારો આવ્યો છે.

ગેમ રમવાના ચક્કરમાં ગોત્રી અને ફતેગંજ વિસ્તારના બે યુવકો અનુક્રમે ૪૦ લાખ અને ૨૦ લાખ રૂપિયાના જંગી દેવામાં સપડાયા છે. ઓનલાઈન ગેમિંગની આ ઉધઈ પરિવારોને આર્થિક અને માનસિક રીતે ભાંગી રહી હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

ગેમિંગની આ લતના કારણે બંને યુવકોના પરિવારમાં ભારે ઝઘડા અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે. દીકરાઓને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે માતા-પિતાએ પોતાની જીવનભરની જમાપૂંજી અને પેન્શનના રૂપિયા વાપરીને દેવું ચૂકવવું પડ્યું છે. આ ઘટના સમાજ માટે ઉદાહરણરૂપ છે કે કેવી રીતે એક સામાન્ય દેખાતી આદત સમગ્ર પરિવારને આર્થિક મુશ્કેલીના ઊંડા કૂવામાં ધકેલી શકે છે.

ગોત્રી વિસ્તારના યુવકનો કિસ્સો વધુ આશ્ચર્યજનક છે. તે બાથરૂમમાં કલાકો સુધી છુપાઈને ઓનલાઈન ગેમ રમતો હતો, અને તેના પરિવારને તેની આ લતની જાણ પણ ન થઈ. જ્યારે દેવાનો ડુંગર માથે આવ્યો, ત્યારે પરિવાર સત્ય જાણીને આઘાતમાં સરી પડ્યો હતો. બીજી તરફ, ફતેગંજ વિસ્તારનો યુવક તો નોકરીના કલાકો દરમિયાન પણ ગેમ રમતો હતો, જેના પરિણામે તે મોટું દેવું કરી બેઠો હતો. આ બાબતને લઈને યુવક અને તેની પત્ની વચ્ચે સતત ઝઘડા શરૂ થયા, જેણે પારિવારિક શાંતિ છીનવાઈ ગઈ હતી.

પરિવારોએ આ સંકટનો સામનો કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં બંને યુવકો છેલ્લા એક મહિનાથી મનોચિકિત્સક પાસે સારવાર હેઠળ છે, જેથી તેમને આ જીવલેણ લતમાંથી બહાર કાઢી શકાય. વડોદરાની આ ઘટનાઓ ઓનલાઈન ગેમિંગના કહેરની ગંભીરતા દર્શાવે છે. આ માત્ર મનોરંજન નથી, પરંતુ જો તે લતમાં ફેરવાય તો આર્થિક વિનાશ, માનસિક તણાવ અને પારિવારિક વિખવાદનું કારણ બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.