સસ્તામાં લેવાની લાલચઃ યુવકને 10 લાખમાં 10 કિલો ચાંદી લેવું ભારે પડયું

પ્રતિકાત્મક
(એજન્સી)વિરમગામ, દસાડા તાલુકાના સેડલા ગામે મુળ વિરમગામના અને હાલ હિંમતનગર રહેતો યુવક સસ્તામાં ચાંદી લેવા પહોંચ્યો હતો. જેમાં મહિલા સહિત ૩ આરોપીઓ રૂપિયા ૯.૯૫ લાખનો ચુનો લગાવી ફરાર થઈ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મુળ વિરમગામના રૈયાપુર પટેલના ડેલામાં રહેતા ઈમરાનભાઈ રસુલભાઈ મેમણ હાલ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની નુરાની રેસીડેન્સીમાં રહે છે. તેઓ ૫ વર્ષ પહેલા સાણંદની કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે તેઓ દસાડા તાલુકાના સેડલા ગામે એક લગ્નમાં આવ્યા હતા. જેમાં તેમની મુલાકાત સેડલાના શાહરૂખ નામના વ્યકિત સાથે થઈ હતી.
બાદમાં બન્ને અવારનવાર મળતા હતા. ઈમરાનભાઈ પર દેવુ થઈ ગયુ હોય તેઓ શાહરૂખને કોઈ કામ હોય તો બતાવજે તેમ કહેતા હતા. તા. ૧૨-૧૦ના રોજ શાહરૂખે ફોન કરી ઈમરાનભાઈને ૧૦ કિલો ચાંદી પડી છે, સસ્તામાં આવે છે, કોઈને લેવી હોય તો કેજે તેમ વાત કરી હતી. આથી તા. ૧૩-૧૦ના રોજ ઈમરાનભાઈ, તેમના મિત્રો સંજય ગાંધી અને ઈલીયાસભાઈ ઉર્ફે મુનાભાઈ કાર લઈને સેડલા આવ્યા હતા. અને શાહરૂખ એક બેનના ઘરે લઈ ગયો હતો.
જેમાં બેનનું નામ બીલુબેન અને ભાઈનું નામ ફીરોઝભાઈ હતુ. અને બીલુબેને ચાંદીની પાયલ, કડુ, માળા બતાવી હતી અને ૧ કિલોના ૧ લાખ કહ્યા હતા. બાદમાં તા. ૧૬-૧૦ના રોજ ફરી ત્રણેય મિત્રો રૂપીયા રાત્રે રૂ. ૧૦ લાખને સેડલા ગયા હતા. અને ૧૦ લાખ બીલુબેનને આપતા તેઓએ રૂ. ૫ હજાર પરત આપ્યા હતા. જેમાં બીલુબેન બેડ પર પૈસાની થેલી મુકી ચાંદી લઈને આવુ છુ તેમ કહીને ગયા હતા. જયારે થોડીવાર પછી ફીરોઝ ચાંદી આવે ત્યાં સુધી હું પૈસા મુકીને આવુ તેમ કહી ગયો હતો. આ દરમીયાન કોઈએ દરવાજો ખખડાવતા શાહરૂખ કોણ છે હું જોઈને આવુ તેમ કહી ગયો હતો.
આ સમયે એક મજુર ઘરે કામ કરતો હતો. જેણે એલસીબી આવી છે, ફટાફટ બહાર નીકળો તેમ કહેતા ઈમરાનભાઈએ પોલીસ આવી તો શું અમે કયાં કોઈ ગુનો કરેલ છે તેમ કહેતા મજુરે ઘર બંધ કરવાનું કહેતા ત્રણેય બહાર ગયા હતા. અને મજુર ઘર બંધ કરીને જતો રહ્યો હતો.
બાદમાં તપાસ કરતા શાહરૂખ, બીલુબેન અને ફીરોઝ કયાંય મળી ન આવતા તેઓને છેતરાયાની જાણ થઈ હતી. આ અંગે ઈમરાનભાઈ મેમણે બજાણા પોલીસ મથકે રૂ. ૯.૯૫ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એમ.બી.બામ્બા ચલાવી રહ્યા છે.