Western Times News

Gujarati News

ઉધના રેલવે સ્ટેશનથી 12 કલાકમાં 20 ટ્રેન થકી 36 હજારથી વધુ મુસાફરો મોકલવાનો રેકર્ડ બન્યો

File

ઉધના રેલવે સ્ટેશનથી વધુ મુસાફરોને વતન મોકલવાનો રેકોર્ડ

(એજન્સી)સુરત, સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ૧૨ કલાકમાં ૨૦ ટ્રેન થકી ૩૬૦૦૦ થી વધુ મુસાફરો મોકલવાનો રેકર્ડ બન્યો છે, કોઈપણ જાતની દુર્ઘટના વગર મુસાફરો મોકલાવવા બદલ ઉધના રેલવે સ્ટેશને નવો રેકર્ડ બનાવ્યો છે અને સુરત અને ઉધના રેલવે સ્ટેશનથી અત્યાર સુધીમાં કુલ ૧.૨૫ લાખથી વધુ મુસાફરો ગયા હોવાની વાત સામે આવી છે, મોટાભાગની ટેક્સ્ટાઈલ માર્કેટ, ટેક્સ્ટાઈલ મિલો શનિવારે બંધ થઈ ગઈ હતી અને જેથી શનિવારે મોડી સાંજથી જ રેલવે સ્ટેશન પર એકાએક ભીડ ગઈ હતી.

દિવાળીના એક દિવસ પહેલાં ઉધના રેલવે સ્ટેશનથી ૧૨ કલાકમાં ૨૦ ટ્રેન મારફતે ૩૯,૦૦૦ મુસાફરો બિહાર અને ઉત્તરપ્રદેશ રવાના થયા હતા. દરમિયાન કોઈપણ જાતની દુર્ઘટના વગર ૧૨ કલાકમાં ૩૯,૦૦૦ મુસાફરો મોકલાવવા બદલ ઉપના રેલવે સ્ટેશને નવો રેકર્ડ બનાવ્યો છે.

બિહાર ઇલેક્શનને લઈને મોટી સંખ્યામાં લોકો બિહાર જશે તેવી સંભાવના હોવાથી મુંબઈ ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓએ પણ વીતેલા ત્રણ-ચાર દિવસથી ઉધના સ્ટેશને ધામો નાંખ્યો છે.

મોટી સંખ્યામાં મુસાફરો ઉધના સ્ટેશને પહોંચ્યા હોવાથી રેલવેના અધિકારીઓએ ભીડને કાબૂમાં રાખવા રેગ્યુલર (અનરિઝવ ટ્રેન ) અને સ્પેશિયલ ટ્રેનના મુસાફરોને અલગ અલગ એરિયામાં ભેગા કર્યા હતા. તેમજ ત્યાંથી તેઓને ટ્રેન સુધી લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન રવિવારે સવારે ૫ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી ઉધના રેલવે સ્ટેશનથી ઉપડેલી અને પસાર થયેલી અલગ અલગ ૨૦ ટ્રેન મારફતે ઉધનાથી અંદાજિત ૩૨,૦૦૦ મુસાફરો માદરે વતન ગયા હતા.

ત્યારબાદ તાપ્તિગંગા ટ્રેનમાં પણ ૫,૦૦૦ અને ઉધના-ભાગલપુરમાં ૫,૫૦૦ મુસાફરો ગયા હોવાનું રેલવેનાં સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ૧૨ કલાકમાં ૨૦ ટ્રેન મારફતે ૩૬,૦૦૦ મુસાફરો મોકલવાનો નવો રેકર્ડ ઉધના રેલવે સ્ટેશનના નામે નોંધાયો છે. રેલવેના કર્મચારીઓની આ કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી હતી. સુરત અને ઉધના રેલવે સ્ટેશનના અધિકારીઓએ એક્સ્ટ્રા ટિકિટ વિન્ડો શરૂ કરી હોવાનો દાવો કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.