Western Times News

Gujarati News

ભાજપના કદાવર નેતાએ કહ્યું ૨૦૨૯ની ચૂંટણી લડીશ

ઝાંસી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે ઉમા ભારતી -બુંદેલખંડ મારું ભાવનાત્મક ઘર છે અને ત્યાંની જનતા સાથે મારો ગાઢ સંબંધ છે. જો પાર્ટી કહેશે, તો હું જરૂર ચૂંટણી લડીશ

ભોપાલ,  ભાજપની વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે ફરી એકવાર કહ્યું કે, જો પાર્ટી કહે તો હું ૨૦૨૯ની લોકસભા ચૂંટણી લડી લઈશ. આ દરમિયાન તેમણે યુપીની એક બેઠકનું પણ નામ લીધું છે, જ્યાંથી તેઓ ચૂંટણી લડવા માંગે છે. અગાઉ પણ તેમણે કહ્યું હતું કે, હું હજુ રાજકારણથી દૂર નથી થઈ.

ઉમા ભારતીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે, મેં લલિતપુરના આત્મીય મીડિયા મિત્રો સાથે કહ્યું છે કે જો પાર્ટી કહેશે તો હું ૨૦૨૯ની ચૂંટણી ચોક્કસ લડીશ, પરંતુ હું માત્ર ઝાંસી લોકસભા બેઠક પરથી જ ચૂંટણી લડીશ.

તેઓએ આ પોસ્ટમાં ભાજપના કેન્દ્રીય અને મધ્યપ્રદેશના નેતૃત્વને પણ ટૅગ કર્યું છે. ઉમા ભારતીએ શનિવારે લલિતપુરમાં કહ્યું હતું કે, હું માત્ર ઝાંસીમાંથી જ ચૂંટણી લડીશ. બુંદેલખંડ મારું ભાવનાત્મક ઘર છે અને ત્યાંની જનતા સાથે મારો ગાઢ સંબંધ છે. જો પાર્ટી કહેશે, તો હું જરૂર ચૂંટણી લડીશ.

ઉમા ભારતી ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ઝાંસીથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે આ વર્ષે ઓગસ્ટમાં પણ કહ્યું હતું કે, તેઓ હજી રાજકારણથી દૂર નથી થયા અને યોગ્ય સમયે ચૂંટણી મેદાનમાં ઉતરશે. ભાજપે છેલ્લાં ત્રણ લોકસભા ચૂંટણીથી સતત ઝાંસી બેઠક જીતેલી છે. હાલમાં ભાજપના અનુરાગ શર્મા આ બેઠક પરથી સતત બીજી વખત સાંસદ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.