સ્કૂલો દ્વારા ફી કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરતી વખતે અનેક પ્રકારના છબરડા
પ્રતિકાત્મક
ખાનગી સ્કૂલોને ૩૧ ઓક્ટોબર સુધી ફી મંજૂરી માટેની દરખાસ્ત મોકલવા તાકીદ
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ ઝોનના તમામ જિલ્લાઓની ખાનગી સ્કૂલોને ૩૧ ઓક્ટોબર સુધીમાં ફી મંજૂરી માટેની દરખાસ્ત રજૂ કરવા માટે જિલ્લા શિક્ષણાધિકારીને તાકીદ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. જોકે, આ સમયગાળા દરમિયાન દિવાળી વેકેશન હોવાના લીધે સંભવત મુદ્દતમાં વધારો થઈ શકે તેમ નિષ્ણાંતોનું માનવું છે.
સ્કૂલો દ્વારા ફી કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરતી વખતે અનેક પ્રકારના છબરડા કરવામાં આવતા હોવાના લીધે ફી કમિટી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી મારફત સ્કૂલોને ચેકલિસ્ટ પણ મોકલી આપ્યું છે. જેથી તેની મદદથી સ્કૂલો દ્વારા કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીએ જિલ્લાના ડીઈઓ-ડીપીઈઓમારફતે સ્કૂલોને સૂચના આપી છે.
જેમાં જણાવાયું છે કે, ખાનગી સ્કૂલો દ્વારા સમયાંતરે ફી કમિટી સમક્ષ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાએથી ફી મંજૂરી માટે દરખાસ્તો રજૂ કરવામાં આવતી હોય છે. જેમાંથી ઘણી દરખાસ્તો ભૂલોવાળી, અધુરી, જુદી જુદી ક્ષતિઓ વાળી ફાઈલો રજૂ થતી હોવાનું તપાસ દરમિયાન સામે આવી છે. જેથી ઝડપથી અને સરળતાથી ફી મંજૂરીની કામગીરી થતી નથી અને પૂર્તતાઓ કરવામાં સમયનો વ્યય થાય છે.
જેથી તમામ સ્કૂલોએ ફી મંજૂરી માટેની દરખાસ્ત કેવી રીતે કરવી એ અંગેનું ચેક લિસ્ટ સ્કૂલોને મોકલી અપાયું છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ ચેકલિસ્ટ સ્કૂલોને મોકલી અપાયું છે અને તેની મદદથી દરખાસ્ત કરવા માટે સૂચના આપી છે. અમદાવાદ શહેર ડીઈઓએ તમામ સ્કૂલોને પરિપત્ર મારફતે સૂચના આપી છે કે, સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ના માટે શાળાની ફી મંજૂર કરાવવા માટેની દરખાસ્ત
આગામી ૩૧ ઓક્ટોબર સુધી રજૂ કરી દેવાની રહેશે. સ્કૂલોએ બે નકલમાં ફાઈલો તૈયાર કરી શાળા બીટના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર સમક્ષ યોગ્ય ચકાસણી કરાવી લેવાની પણ તાકીદ કરાઈ છે. દરખાસ્તમાં રૂ.૧૫ હજાર, રૂ.૨૫ હજાર અને રૂ.૩૦ હજારથી વધુ ફી લેતી સ્કૂલોનો સમાવેશ થાય છે. એ સિવાયની સ્કૂલોએ એફિડેવિટ ઓનલાઈન રજૂ કરવાની સૂચના આપી છે.
