સોનાના વેપારીના સેલ્સમેને દિવાળીમાં જ 7.24 કરોડની જવેલરીની ઉચાપત કરી
પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, દિવાળીના થોડા મહિના પહેલાં જ એક સોની વેપારીને રોવાનો વારો આવ્યો છે. આ વેપારીની પેઢીમાં માર્કેટીંગનું કામ કરતાં કર્મચારીએ જ રૂ.૭.ર૪ કરોડની સોનાની જ્વેલરી અને રૂ.૭.ર૬ લાખની રોકડની ઉચાપત કરી હતી.
બોડકદેવમાં રહેતા વિજયભાઈ સતિકુવર નવરંગપુરા લાલબંગલા નજીક સુપર મોલમાં જ્વેલર્સ પેઢી ધરાવે છે. તેમને ત્યાં કામ કરતાં કર્મચારીઓ બહારગામ જઈને જ્વેલરીનું વેચાણ કરે છે. વિજયભાઈના ત્યાં ચાર વર્ષ પહેલાં અંકુર રાણપરા (રહે.ઉમિયાનગર સોસાયટી, નિર્ણયનગર) સેલ્સમેન તરીકે નોકરીએ લાગ્યો હતો.
શરૂઆતમાં તેને ગુજરાતમાં સેલ્સનું કામ સોંપાયું હતું. ત્યારબાદ છેલ્લા એકાદ વર્ષથી નોર્થ ભારતનું કામ સોંપ્યું હતું. સેલ્સમેન અંકુર વિવિધ રાજ્યમાં જ્વેલરી લઈને જતો હતો જ્યાં સોની વેપારીને જ્વેલરી બતાવીને ડીલ નક્કી કરતો હતો. પેઢીમાંથી મંજૂરી બાદ તે જ્વેલરી વેચાણ કરીને પેમેન્ટ મેળવીને પેઢીમાં જમા કરાવતો હતો.
ગત તા.૧૪ જુલાઈએ અંકુર અન્ય સાથીકર્મી સાથે દહેરાદૂન ગયો હતો.
તેની પાસે રર કેરેટની રર૮૦.૮૪૦ ગ્રામ સોનાની જ્વેલરી હતી. આ દરમિયાનમાં પેઢીએ ડિલિંગની વિગતો તપાસતા બિલોમાં ભૂલો જણાઈ આવી હતી જેથી વિજયભાઈએ તપાસ કરતાં નોર્થ ભારતમાં ૧પ સોની વેપારીઓને જ્વેલરીનો માલ આપ્યો હોવાની એન્ટ્રી મળી હતી જેથી તે તમામ વેપારીઓને ફોન કરીને ખરાઈ કરતાં તેમની પાસે ઓર્ડર મુજબનું સોનું ન પહોંચ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી હિસાબમાં ૬૭૮૦.૮પ૪ ગ્રામ સોનું તથા ૭.ર૬ લાખની રકડાની ગરબડ જણાઈ આવી હતી
તેથી વિજયભાઈએ અંકુરને ફોન કરતા તેણે ગલ્લાતલ્લાં કર્યા હતા અને બાદમાં ફોન બંધ કરી દીધો હતો. વિજયભાઈએ અંકુરની સાથે માર્કેટિંગ કરનાર કર્મીને ફોન કરતાં ૭૭૦.૯૬૦ ગ્રામની જ્વેલરી મીસિંગ હતી.
આમ તપાસ દરમિયાન અંકુર રાણપરાએ ૭.ર૪ કરોડની મતાની રર કેરેટની ૭૭રપ.૦ર૪ ગ્રામ સોનાની જ્વેલરી અને ૭.ર૬ લાખની રકમની ઉચાપત કરી હોવાનું જણાયું હતું. આ મામલે પોલીસને જાણ કરાતા નવરંગપુરા પોલીસે અંકુર રાણપરા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
