પતિની સારવાર માટે શિક્ષિકા ચોરીના રવાડે ચઢીઃ વિદ્યાર્થીના ઘરેથી ૧૦ તોલા સોનું અને રોકડ ચોરી કરી
પ્રતિકાત્મક
અમદાવાદ, તા.૨૪ઃ અમદાવાદમાં પતિની સારવાર માટે એક શિક્ષિકા ચોર બની હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીના જ ઘરમાંથી ૧૦ તોલા સોનું અને રોકડની ચોરી કરી હતી. જો કે શિક્ષિકાની શંકાસ્પદ હિલચાલથી તેનો ભાંડો ફૂટ્યો હતો.
આ બાદ રામોલ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, શાળામાં શિક્ષિકા રહી ચૂકેલી સંગીતા આર્થિક પરિસ્થિતિને કારણે ચોરીનો માર્ગ અપનાવ્યો હતો.
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા શાશ્વત મહાદેવ નામના ક્લબમાં ૧૦ તોલા સોનાના ઘરેણા અને રોકડ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આરોપી મહિલા આ ચોરી કરવા માટે તેના વિદ્યાર્થીના ઘરે એક પ્રસંગમાં જવા માટે કપડાં ચેન્જ કરવા પહોંચી હોવાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
મહિલાના પતિનું અકસ્માત થતાં તેની સારવાર માટે દોઢ લાખ રૂપિયાની જરૂર હતી અને આર્થિક તંગીના કારણે તેથી આ કૃત્ય કર્યું હોવાનું તેણે જણાવ્યું હતું. રામોલ પોલીસે આ બાદ મહિલાના ઘરમાંથી ઘરેણા અને રોકડ સહિત રૂ. ૭.૮૧ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
