ધોલેરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, 2 મહિલા સહિત 3ના મોત
AI Image
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના ધોળકા તાલુકા નજીક અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વેજલકા ગામ પાસે બંધ રોડ પર મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે કાર ધડાકાભેર અથડાતા એક પુરુષ અને બે મહિલા સહિત કુલ ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ગમખ્વાર અકસ્માત ધોલેરા એક્સપ્રેસ હાઇવે પર વેજલકા ગામ નજીક સર્જાયો હતો. કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી અને રોડ બંધ હોવાને કારણે વચ્ચે મૂકાયેલા સિમેન્ટના બેરિકેડ સાથે જોરદાર ટકરાઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ, જેમાં એક પુરુષ અને બે મહિલાનો સમાવેશ થાય છે, તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમો ફેદરા અને પીપળીથી ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંને વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં કોઠ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોનો કબજો મેળવી પંચનામું કરી તેમને પોસ્ટમોર્ટમ (પીએમ) અર્થે મોકલી આપ્યા હતા. હાલ કોઠ પોલીસે અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને મૃતકો તથા ઇજાગ્રસ્તો કોણ છે, તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. એક્સપ્રેસ વે પર સર્જાયેલા આ ત્રિપલ અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને અરેરાટી વ્યાપી ગઈ હતી.
