Western Times News

Gujarati News

માં વિશ્વંભરી તીર્થધામ ખાતે દિવાળી પર લાખો દર્શનાર્થીઓની ભીડ ઉમટી

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ નજીક રાબડા ગામે પાવન પાર નદીને કાંઠે આવેલું સુપ્રસિદ્ધ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામ દિપાવલીના પર્વ નિમિત્તે આધ્યાત્મિક શક્તિના કેન્દ્ર તરીકે ઝળહળી ઉઠ્‌યું છે. છેલ્લા કેટલાય દિવસોથી આ દિવ્ય ધામમાં ભાગ્ય વિધાતા – માં વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે.

લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે આવેલા આ ધામે, અસંખ્ય ભક્તોએ માં વિધાતાના દર્શન કરીને ધન્યતા અનુભવી છે.આ ધામ હવે માત્ર એક ધર્મસ્થળ નહીં, પરંતુ માનવ જીવનમાં મૂળભૂત પરિવર્તન લાવનારું એક શક્તિપીઠ બન્યું છે. અહીંથી ગુંજતો માં વિશ્વંભરીનો યુગ પ્રવર્તક દિવ્ય સંદેશ વિશ્વભરના અસંખ્ય લોકોના જીવનની દિશા બદલી રહ્યો છેઃ અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો

‘ઘર મંદિર’નો અર્થ છેઃ ઘરમાં મંદિર જેવી પવિત્રતા જાળવવી અને પરિવારના દરેક સભ્યે સમજણપૂર્વક પોત-પોતાની ફરજોનું પાલન કરવું. આ દિવ્ય સંદેશના પરિણામે આજે માત્ર ભારતવર્ષમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ભાવિક ભક્તો પોતાના ઘરોને મંદિર બનાવીને ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્વર્ગની અનુભૂતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

માં વિશ્વંભરી તીર્થધામ, ભક્તિની સાથે સાથે સનાતન વૈદિક સંસ્કૃતિના વારસાનું જતન કરવામાં પણ અગ્રસર છે.અહીં આવેલી ગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને અસંખ્ય શ્રદ્ધાળુઓ હવે પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરીને ગૌપાલન યજ્ઞમાં જોડાઈ રહ્યા છે. આ ધામની અણીશુધ્ધ સ્વચ્છતા અને અદભુત શિસ્તતા ભક્તો માટે એક આદર્શ બની છે,

જેનાથી પ્રેરિત થઈને લોકો પોતાના વ્યક્તિગત જીવનમાં પણ સ્વચ્છતા અને શિસ્તતાનું ચુસ્ત પાલન કરવા સંકલ્પબદ્ધ થયા છે.આ ધામ કર્તવ્યકર્મ, કર્મભક્તિ અને કર્મયોગી – એમ ભક્તિના આ ત્રણ ચરણની મૂળભૂત પ્રેરણા આપી રહ્યું છે તેમજ જીવન જીવવાની સાચી કળાની શીખ આપીને ભવસાગર પાર કરવા અને મોક્ષના માર્ગ તરફ દોરી જતી દિવ્ય દીવાદાંડીની ગરજ સારે છે. આ દિવ્ય ધામ અસંખ્ય લોકોના જીવન પરિવર્તનનું પ્રેરક બળ બની રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.