ભારત સાથેની મિત્રતાના ભોગે પાકિસ્તાન સાથે સંબંધો રાખીશું નહીંઃ અમેરિકા
પાકિસ્તાન સાથેના સંબંધોમાં આવેલા યુ-ટર્ન વચ્ચે યુએસ વિદેશ મંત્રીની સ્પષ્ટતા
અમેરિકા એક વ્યવહારિક વિદેશ નીતિ અપનાવી રહ્યું છે, જે એકસાથે અનેક ભાગીદારો સાથે જોડાવા માટે રચાયેલ છે
વોશિંગ્ટન, ભારત સાથેની સારી ભાગીદારીના ભોગે અમેરિકા પાકિસ્તાન સાથે મજબૂત સંબંધો બનાવવાના પ્રયાસો કરશે નહીં. આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં પાકિસ્તાન સાથે ભાગીદારીનો અમેરિકાનો લાંબો ઇતિહાસ ધરાવે છે. બીજી તરફ ભારત સાથેના અમેરિકાના સંબંધો ઊંડા, ઐતિહાસિક અને મહત્વપૂર્ણ છે તેમ અમેરિકાના વિદેશ પ્રધાન માર્કાે રૂબિયોએ જણાવ્યું છે.અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોમાં અચાનક થઈ રહેલા સુધારા અંગે વિદેશી મંત્રીએ જણાવ્યું હતું કે જો શક્ય બનશે તો અમેરિકા સંબંધોને તેનાથી આગળ વધારવા માંગે છે અને તે સમજે છે કે કેટલીક મુશ્કેલીઓ અને કેટલાક પડકારો હશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધને રોકવામાં પ્રેસિડન્ટ ટ્રમ્પની ભૂમિકાની પાકિસ્તાનને પ્રશંસા કરી હોવાથી બંને દેશો વચ્ચેના સંબંધો આ વર્ષે મજબૂત બન્યા છે તેવા સવાલના જવાબમાં રૂબિયોએ જણાવ્યું હતું કે સંઘર્ષ શરૂ થયો તે પહેલાં જ મેં તેમનો સંપર્ક કર્યાે હતો અને કહ્યું હતું કે અમને તમારી સાથે જોડાણ, વ્યૂહાત્મક ભાગીદારી ફરીથી બનાવવામાં રસ છે. અમે ભારત અને અન્ય તમામ બાબતોના પડકારોથી સંપૂર્ણપણે વાકેફ છીએ, પરંતુ અમારું કામ એવા દેશો સાથે ભાગીદારી માટે તકો ઊભી કરવાનો પ્રયાસ કરવાનું છે, જ્યાં તે શક્ય છે. પાકિસ્તાન સાથેના સંબંધો મજબૂત બન્યાં છે, પરંતુ તે ભારત કે બીજા કોઇ દેશના ભોગે નહીં.
પાકિસ્તાન સાથે અમેરિકાના વધતા સંબંધો અંગે ભારતે ચિંતા વ્યક્ત કરી છે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે રાજદ્વારી અને આ પ્રકારની બીજી બાબતોમાં ભારતીયો ખૂબ જ પરિપક્વ છે. અમેરિકા એક વ્યવહારિક વિદેશ નીતિ અપનાવી રહ્યું છે, જે એકસાથે અનેક ભાગીદારો સાથે જોડાવા માટે રચાયેલ છે. ભારતીયોએ ખરેખર આવી ચિંતા વ્યક્ત કરી નથી. પરંતુ અમે જાણીએ છીએ કે તેઓ સ્પષ્ટ કારણોસર ચિંતિત છે, કારણ કે પાકિસ્તાન અને ભારત વચ્ચે ઐતિહાસિક રીતે તણાવ રહ્યો છે. મને લાગે છે કે ભારતે સમજવું પડશે કે અમારે ઘણા બધા દેશો સાથે સંબંધો રાખવા પડશે. અમે પાકિસ્તાન સાથેના વ્યૂહાત્મક સંબંધોને વિસ્તૃત કરવાની તક જોઈએ છીએ.SS1
