છાશ પીધા બાદ બાળકો અને મહિલાની તબિયત બગડી
ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ગોમટા ગામે પહોંચીને તપાસ શરૂ કરી
સુરેન્દ્રનગરના ગોમટામાં જમણવાર બાદ ૧૫૦થી વધુને ફૂડપોઈઝનિંગ
સુરેન્દ્રનગર,સુરેન્દ્રનગર જિલ્લાના ગોમટા ગામમાં વાસ્તુ પ્રસંગના જમણવાર દરમિયાન ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. જમણવારમાં છાશ પીધા બાદ ૧૫૦થી વધુ લોકોની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ગોમટા ગામે વાસ્તુના પ્રસંગનો જમણવાર હતો. જેમાં ભોજનમાં છાશ પીધા બાદ લોકોને પેટમાં દુખાવા સહિતની ફરિયાદો આવવા લાગી હતી. આશરે ૧૫૦ જેટલા લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી.
અસરગ્રસ્તોમાં નાના બાળકો, મહિલાઓ અને યુવકોનો સમાવેશ થાય છે. આ તમામને લીંબડી અને વઢવાણની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક દર્દીઓની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ ગોમટા ગામે પહોંચી હતી. આરોગ્ય વિભાગે ફૂડ પોઈઝનિંગના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી દીધી હતી.
શંકાસ્પદ છાશના નમૂનાને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, વઢવાણના ગોમટા ગામે શુભ પ્રસંગના જમણવારમાં આશરે ૧૫૦ જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી, જેમાં ઝાડા-ઉલટી અને પેટમાં દુઃખાવાની ફરિયાદ હતી. તેમની ટીમ તમામ દર્દીઓની તપાસ કરી રહી છે અને હાલમાં તમામ દર્દીઓની સ્થિતિ સારી છે.SS1
