મસીયાઇ ભાઇને કામ ન આપ્યું તો તેણે ભાઇનો જ અશ્લીલ વીડિયો વાયરલ કર્યાે
મસીયાઇ ભાઇ અને તેની ભાભી સામે કાગડાપીઠ પોલીસ મથકમાં ભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી
અમદાવાદ, મસીયાઇ ભાઇને કામ ન આપ્યું તો તેણે ભાઇનો જ સાચવી રાખેલો જૂનો અશ્લીલ વીડિયો વાયરલ કર્યાે હતો. આ મામલે મસીયાઇ ભાઇએ હરકત કરનાર મસીયાઇ ભાઇ અને તેની ભાભી સામે કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.કાંકરિયા વિસ્તારમાં ૩૫ વર્ષીય પાર્થ મયંકભાઇ પરીખ પરિવાર સાથે રહે છે અને ૨૦૨૩થી ખાનગી કંપનીમાં જોબ વર્ક કરે છે. તેની કંપનીની મુખ્ય ઓફિસ મુંબઇમાં છે. માર્ચ ૨૦૨૩માં કંપનીનું એકાઉન્ટનું કામ જોવા માટે કન્સલ્ટન્ટ તરીકે પાર્થે તેના માસીના દીકરા જિગીશ મનુભાઇ શાહને (રહે. વડોદરા) કામે રાખ્યો હતો. જિગીશને પાર્થ વોટ્સ એપ મારફતે કામ મોકલતો અને કરાવતો હતો.
તે કામ ઇ મેલ મારફતે કંપનીમાં મોકલી આપતો હતો. જેના બદલે ૨૮૦૦ રૂપિયા માસિક પગાર પાર્થ જિગીશને ચૂકવતો હતો. જો કે, થોડા મહિના બાદ જિગીશે મહિને ૧૦ હજાર રૂપિયા પગારની માગણી કરી હતી. પરંતુ મહિનામાં ત્રણ-ચાર દિવસનું જ કામ હોવાથી વધુ પૈસા આપવાનો ઇનકાર કર્યાે હતો. ત્યારબાદ પાર્થે જિગીશને કામ કરવાની ના પાડી દીધી હતી. જેની અદાવત રાખી જિગીશ ૧ ઓક્ટોબર ૨૦૨૫થી વારંવાર ફોન કરી અને મેસેજથી ધમકી આપી ગાળો બોલતો હતો. તે પાર્થને કહેતો હતો કે, તને તારા વેન્ડરોની સામે બદનામ કરી દઇશ. આ દરમિયાન ૨૨ ઓક્ટોબરના રોજ એક વીડિયો જિગીશે પાર્થને મોકલ્યો હતો જેમાં પાર્થ અશ્લીલ હરકતો કરતો નજરે પડતો હતો અને તે વીડિયો ૨૦૧૯નો હતો.
પછી જિગીશે ફોન કરી આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી પાર્થે તેને બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન જિગીશે તે વીડિયો પાર્થના જુદા જુદા વેન્ડરો અને સગાને મોકલતા તેમનો ફોન આવવાના શરૂ થયા હતા. બીજી તરફ જિગીશની ભાભી રેશમા પથિક શાહે તે વીડિયો પાર્થની પત્નીને મોકલ્યો હતો અને થોડીવાર બાદ ડિલીટ ફોર એવરી વન કરી દીધો હતો. આ મામલે પાર્થે જિગીશ અને રેશમા શાહ સામે ધમકી અને આઇટી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા કાગડાપીઠ પોલીસે તપાસ આદરી છે.SS1
