સાળા-બનેવીને ઊંચા વળતરની લાલચ આપી ૪૦ લાખનો ચૂનો ચોપડી ઠગ દંપતી ફરાર
બંટી-બબલીએ અનેકને રોકાણના નામે રોવડાવ્યા
પોલીસે આરોપી સિદ્ધાર્થ રાવળ અને તેની પત્ની પાયલ રાવળ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી
અમદાવાદ ,શહેરમાં રહેતા સાળા બનેવીને ૪૦ લાખનો ચૂનો ચોપડીને ઠગ દંપતી ઓફિસ ઘર બંધ કરીને ફરાર થઇ ગયું છે. ઘટના એવી છે કે એક ઠગ દંપતીએ સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ, સિલિકોન રિયલ એસ્ટેટ નામની પેઢીઓ ધરાવીને ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવાની મોટી મોટી વાતો કરીને સાળા બનેવી પાસે ૪૦ લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીઓએ બે ત્રણ વાર વળતર આપ્યા બાદ એક પણ રૂપિયો આપ્યો નહોતો. જેથી ભોગ બનનારે તપાસ કરતા ઠગ દંપતી ઘર અને ઓફિસ બંધ કરીને ભાગી ગયાનું સામે આવ્યું હતું. સાથે જ આવા અનેક રોકાણકારોને પણ રોવાનો વારો આવ્યો હતો. જેથી આ મામલે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જોધપુર વિસ્તારમાં રહેતા કમલેશ શાહ વર્ષ ૨૦૨૨માં પુત્રના મિત્ર અને સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ, સિલિકોન રિયલ એસ્ટેટ નામની પેઢીઓ ધરાવીને ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતા સિધ્ધાર્થ રાવલ અને તેની પત્ની પાયલ રાવળને મળ્યા હતા. જે બાદ બંને ધંધાના કામથી અવાર નવાર કમલેશભાઇના પુત્રને ઘરે મળવા આવતા ગાઢ સંબંધ બંધાયો હતો. આ બંનેએ પોતાની કંપની ઇન્વેસ્ટમેન્ટનો ધંધો કરતી હોવાથી રોકાણકારોને માસિક ત્રણ ટકાના હિસાબે વળતર ચૂકવતા હોવાનું કહીને કમલેશભાઇને રોકાણ કરવા લાલચ આપી હતી. જે બાદ કમલેશભાઇએ ૧૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યુ ંહતું.
આ રોકાણ કરવાનો એમઓયુ પણ તૈયાર કરાવ્યો હતો. જેમાં માસિક ત્રણ ટકા લેખે ૩૦ હજાર અને રોકાણકારને જરૂર પડ્યે નાણાં મેળવી શકવા બાબતોનો ઉલ્લેખ કરાયો હતો. ઠગ દંપતીએ કમલેશભાઇને ત્રણેક માસ સુધી વળતર પણ આપ્યું હતું. થોડા મહિનાઓ પછી દંપતીએ પોતાની કંપની સારો એવો નફો કરતી હોવાનું કહીને ત્રણના બદલે છ ટકા વળતર આપવાનું કહીને કમલેશભાઇ પાસે વધુ ૧૦ લાખ પડાવી લીધા હતા. કમલેશભાઇએ તેમના સાળા દીપક શાહને પણ આ સ્કીમની વાત કરતા તેમણે પણ ૨૦ લાખનું રોકાણ કર્યુ હતું.
જેના અલગ અલગ એગ્રીમેન્ટ બનાવીને મોકલી આપવાની સિદ્ધાર્થ રાવળ અને પાયલ રાવળે ખાતરી આપી હતી. ત્યાર બાદ આરોપી દંપતીએ વળતર ચૂકવવાનું બંધ કરી દેતા કમલેશભાઇને શંકા ગઈ હતી. જેથી તેમણે ઠગ સિધ્ધાર્થ અને તેની પત્ની પાયલના ઘરે તપાસ કરતા ઘર અને ઓફિસ બંધ હતા. બંને આરોપીઓ ઘર વેચીને ક્યાંક જતા રહ્યા હતા. આરોપીઓએ અનેક લોકો પાસે રોકાણના નામે નાણાં પડાવીને ઓફિસ બંધ કરીને ભાગી જતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો હતો. જ્યાં સેટેલાઇટ પોલીસે આ મામલે સિદ્ધાર્થ રાવળ અને તેની પત્ની પાયલ રાવળ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.SS1
