વર્લ્ડ કપની રાહ જોઈને કોહલી સમય વેડફી રહ્યો છેઃ પોન્ટિંગ
કોહલી અને રોહિત શર્મા વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓ ઃ પોન્ટિંગ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝ દરમિયાન પોન્ટિંગે કરેલા નિવેદનથી ખળભળાટ મચ્યો હતો
સિડની, ભારતના બે સિનિયર ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭નો વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ રમશે કે નહીં તે અંગે ભૂતપૂર્વ દિગ્ગજો સતત દલીલો અને ચર્ચા કરી રહ્યા છે તો પોતાના અભિપ્રાય પણ આપી રહ્યા છે. જોકે આ બંનેએ શનિવારે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડેમાં શાનદાર પ્રદર્શન કરીને ભારતને નવ વિકેટે વિજય અપાવ્યા બાદ ઘણા ટીકાકારો ચૂપ થઈ ગયા છે તેમ છતાં ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર રિકી પોન્ટિંગનો અભિપ્રાય અલગ જ રહ્યો છે.વારંવાર વિવાદાસ્પદ નિવેદન કરવા માટે જાણીતા ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની રિકી પોન્ટિંગે ફરી એક વાર વિરાટ કોહલી અંગે નિવેદન કરીને ખળભળાટ મચાવી દીધો છે.
રિકી પોન્ટિંગનું માનવું છે કે કોહલી અને રોહિત શર્મા વિશ્વ ક્રિકેટના મહાન ખેલાડીઓ છે અને આ બંને ખેલાડીઓએ માત્ર વન-ડે વર્લ્ડ કપમાં રમવા માટેનો પોતાનો લક્ષ્યાંક નક્કી કરવો જોઇએ નહીં.વિરાટ કોહલી અંગે પોન્ટિંગે જણાવ્યું હતું કે મેં રમતમાં તમામ સિદ્ધિઓ હાંસલ કરી લીધી છે તેવા તેના નિવેદનથી મને નફરત છે કેમ કે મારા મતે તમારી પાસે હજી પણ કેટલાક ટારગેટ હોવા જરૂરી છે. માત્ર ૨૦૨૭ના વર્લ્ડ કપ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો જોઇએ નહીં. કોહલી હંમેશાં પ્રેરણાદાયી ખેલાડી રહ્યો છે અને મારું માનવું છે કે તેણે કેટલાક લક્ષ્યાંક નક્કી કર્યા હશે જેને તે ઓસ્ટ્રેલિયામાં હાંસલ કરી લેશે.
આગામી વર્લ્ડ કપની માત્ર રાહ જોવી તે કોહલી માટે સમય વેડફવા સમાન છે. આગામી કેટલાક સપ્તાહમાં સ્થિતિ વધારે સ્પષ્ટ થઇ જશે. રોહિત અને કોહલી બંને ભારતની વર્તમાન બેસ્ટ ટીમમાં છે પરંતુ તેઓ વર્લ્ડ કપ આવે ત્યાં સુધીમાં સતત સારો દેખાવ કરતા રહેશે કે કેમ તે મોટો પ્રશ્નાર્થ છે.ભારતીય ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને તેમાં વન-ડે સિરીઝમાં તેનો પરાજય થયો હતો. વિરાટ કોહલી આ ત્રણ મેચની સિરીઝની પહેલી બે મેચમાં શૂન્ય પર આઉટ થયો ત્યારે પણ તેના ભાવિ અંગે સવાલો થયા હતા.
જોકે શનિવારે મજબૂત બેટિંગ કરી હતી અને તેનાથી કોહલીના પ્રશંસકોને આશા છે કે કોહલી આગામી સમયમાં પણ આવી જ બેટિંગ કરીને ટીમને સફળતા અપાવશે.બીજી તરફ પસંદગીકારો અને બીસીસીઆઈના અલગ પ્લાન હોઈ શકે છે. તેઓ અત્યારથી એવી ટીમ સેટ કરવાનો પ્રયાસ કરશે જે ખેલાડીઓ ૨૦૨૭ સુધીમાં સારો એવો અનુભવ મેળવી લે. આ માટે કેટલાક નવોદિતો હાલમાં નિષ્ફળ રહે તો પણ બોર્ડ કે પસંદગીકારો કે ટીમ મેનેજમેન્ટને ખાસ ચિંતા રહેશે નહીં. જેની સરખામણીએ વિરાટ કોહલી કે રોહિત શર્મા એકાદ મેચમાં પણ નિષ્ફળ રહે તો તે આસાનીથી પચાવી શકાશે નહીં. વર્તમાન ક્રિકેટ ઝડપી બની ગયું છે અને તેમાં દરેક સિરીઝમાં થતા પ્રદર્શનને મહત્વ આપવામાં આવે છે ત્યાં આ બંને સિનિયર ખેલાડીએ આગામી બે વર્ષ સુધી સતત કસોટી આપવી પડે તે પણ સરળ નહીં રહે.SS1
