હંસરાજ રઘુવંશીને જાનથી મારી નાખવાની ધમકી મળી
લોરેન્સના નામે ખંડણી માંગી
ગાયક હંસરાજ અને આરોપી રાહુલ પહેલી વાર વર્ષ ૨૦૨૧-૨૨માં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મળ્યા હતા
મુંબઈ,‘મેરા ભોલા હૈ ભંડારી, કરતા નંદી કી સવારી’ ભજન ગાઈને પ્રખ્યાત બનેલા ગાયક હંસરાજ રઘુવંશી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. એક વ્યક્તિએ દાવો કર્યાે હતો કે તે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગનો છે અને ગાયક પાસેથી ૧૫ લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી.ઉલ્લેખનીય છે કે, ૨૨ ઓક્ટોબરના રોજ ગાયકના અંગત સુરક્ષા ગાર્ડ વિજય કટારિયાએ મધ્યપ્રદેશના ઉજ્જૈનના રહેવાસી રાહુલ કુમાર નાગડે વિરુદ્ધ મોહાલીના ઝીરકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વિજયે ફરિયાદમાં જણાવ્યું હતું કે ગાયક હંસરાજ અને આરોપી રાહુલ પહેલી વાર વર્ષ ૨૦૨૧-૨૨માં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મળ્યા હતા. તેમણે પોતાને ગાયકનો ચાહક ગણાવ્યો હતો અને તેની સાથે ગાઢ સંબંધ બનાવ્યા હતા. ત્યારબાદ તે ધીમે ધીમે ગાયકના અંગત જીવનમાં આવી ગયો. આટલું જ નહીં, તેણે હંસરાજ રઘુવંશી નામનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું હતું અને પોતાને ગાયકનો નાનો ભાઈ કહેવા લાગ્યો હતો. તેણે ગાયકને તે એકાઉન્ટ ફોલો કરવાનું પણ કહ્યું. થોડા સમય સુધી ટાળ્યા બાદ, ગાયક હંસરાજે તે એકાઉન્ટને ફોલો કર્યુ હતું.
આરોપી રાહુલ પણ વર્ષ ૨૦૨૩ માં આમંત્રણ વિના ગાયકના લગ્નમાં હાજરી આપી હતી અને ત્યાં તેણે પરિવાર અને ટીમના સભ્યોના નંબર પણ મેળવ્યા હતા. વિજયે વધુમાં જણાવ્યું હતું કે, જેમ જેમ આરોપી ગાયકની નજીક વધતો ગયો તેમ તેમ લોકો પણ તેને ઓળખવા લાગ્યા. ત્યારબાદ તેણે વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં લોકોને છેતરવાનું શરૂ કર્યું. આવી સ્થિતિમાં ગાયક હંસરાજની ટીમને લોકોના ફોન આવવા લાગ્યા હતા અને કહ્યું હતું કે રાહુલ લોકો પાસેથી મોંઘી ભેટો અને ચાહકો પાસેથી પૈસા લઈ રહ્યો છે.ફરિયાદ મળ્યા બાદ હંસરાજ રઘુવંશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અનફોલો કર્યું હતું. ત્યારબાદ રાહુલ તેના પર ગુસ્સે થઈ ગયો હતો અને તેને અને તેના પરિવારને ધમકાવવા લાગ્યો હતો.
નાગડેએ ગાયક, તેની પત્ની, પરિવાર અને ટીમના સભ્યોને ફોન અને વોટ્સએપ કોલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આરોપીએ ગાયક પાસેથી ૧૫ લાખ રૂપિયાની માંગ કરી હતી અને લોરેન્સ બિશ્નોઈ-ગોલ્ડી બ્રાર ગેંગ સાથે સંબંધ હોવાનો દાવો કર્યાે હતો.આ દરમિયાન, પોલીસે હવે આ કેસમાં એફઆઈઆર નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ ૨૯૬, ૩૫૧ (૨), ૩૦૮ (૫) અને આઇટી એક્ટની ૬૭ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.SS1
