108 ઈમર્જન્સી મેડિકલ સર્વિસિસે દિવાળીના 5 દિવસમાં ૨૮,૧૨૯ ઈમર્જન્સી કોલ્સ સફળતાપૂર્વક હેન્ડલ કર્યા
દિવાળીના આ તહેવાર દરમિયાન હજારો પરિવારો માટે 108 એમ્બ્યુલન્સ ‘આશાની કિરણ’ સાબિત થઈ
ગુજરાતની ૧૦૮ ઈમર્જન્સી મેડિકલ સર્વિસિસ (ઈએમએસ)ની ટીમે દિવાળીના તહેવારો દરમિયાન અભૂતપૂર્વ સમર્પણ સાથે કાર્યક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. ૧૦૮ ઈએમએસ દ્વારા દિવાળીના દિવસથી શરૂ કરીને ૨૪ ઓક્ટોબર સુધીના પાંચ દિવસના ટૂંકા ગાળામાં કુલ ૨૮,૧૨૯ ઈમર્જન્સી કોલ્સ સફળતાપૂર્વક હેન્ડલ કરવામાં આવ્યા છે, જે ગુજરાતના ઈમર્જન્સી મેડિકલ સેવાના ઇતિહાસમાં એક ગૌરવશાળી સિદ્ધિ છે.
આ પાંચ દિવસ દરમિયાન ૧૦૮ દ્વારા દરરોજ સરેરાશ ૫,૬૨૬ ઈમર્જન્સી નોંધાઈ હતી, જે સામાન્ય દિવસોની દૈનિક સરેરાશ (૪,૮૨૫ ઈમર્જન્સી) કરતાં ૧૬.૫૯% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.
આ સમયગાળા દરમિયાન, ૨૨ ઓક્ટોબર (નૂતન વર્ષના દિવસે) ૧૦૮ ઈએમએસ દ્વારા એક જ દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ ઈમર્જન્સી કોલ્સ હેન્ડલ કરવાનો રેકોર્ડ સર્જવામાં આવ્યો છે. આ દિવસે કુલ ૫,૮૭૪ ઈમર્જન્સી કોલ્સ હેન્ડલ થયા, જે સામાન્ય સરેરાશની તુલનામાં ૨૧.૭૪% નો વધારો સૂચવે છે.
આ ઈમર્જન્સીમાં આટલો મોટો વધારો થયો હોવા છતાં ૧૦૮ની ટીમે ઝડપી પ્રતિસાદ અને સેવાઓની ગુણવત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિ માટે અવિરત અને યશસ્વી EMTs, પાઇલોટ્સ અને ઈમર્જન્સી રિસ્પોન્સ ઓફિસર્સ (EROs)ને અભિનંદન પાઠવવામાં આવે છે.
આ કામગીરીમાં ટેકનોલોજી અને નવીનતાનો અસરકારક ઉપયોગ મુખ્ય પરિબળ રહ્યા છે. ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર (ERC)ટીમે રિયલ ટાઈમ ઈન્ટરવેન્શન માટે લોકેશન બેઝ્ડ સર્વિસ, ઓટોમેટિક એમ્બ્યુલન્સ અસાઇનમેન્ટ, ડાયનામિક હોટસ્પોટ ટ્રેકિંગ તથા રિયલ ટાઈમ ડીવીએશન એલર્ટ સિસ્ટમ જેવી અદ્યતન સુવિધાઓનો ઉપયોગ કર્યો, જેના કારણે વધેલા કેસ છતાં કામગીરી સુચારુ રહી અને સેવામાં કોઈ ઘટાડો થયો નથી.
૧૦૮ ઈએમએસની આ ઉત્કૃષ્ટ સિદ્ધિ પાછળ ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનું સતત માર્ગદર્શન, સહયોગ અને નવીન ટેકનોલોજી અપનાવવા માટે આપવામાં આવેલી સ્વતંત્રતા મુખ્ય કારણ છે. રાજ્ય સરકાર દ્વારા ટીમને હંમેશાં “કોલ ઓફ ડ્યુટીથી આગળ જઈ શ્રેષ્ઠ સેવા આપવા” માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
EMRI ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ Public-Private Partnership (PPP) મોડલમાં કાર્યરત છે અને “જીવન બચાવવાની અવિરત સેવા”ના તેના ધ્યેય સાથે સતત નવી તકનીક અને તાલીમ દ્વારા સેવા ગુણવત્તા સુધારવા માટે પ્રતિબદ્ધ છે.
આ સિદ્ધિ ગુજરાતના નાગરિકોની ગંભીર ક્ષણોમાં જીવન બચાવવા માટે ૧૦૮ ઈએમએસ ટીમની સેવા, સમર્પણ અને માનવતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.
