ગાંધીનગરના બાપુપુરાના ૪ ગુજરાતીઓનું ઈરાનમાં અપહરણ
(એજન્સી)અમદાવાદ, ગાંધીનગરના બાપુપુરાના ૪ લોકોનું ઈરાનમાં અપહરણ કરાયેલા લોકોનો વીડિયો વાયરલ થયો હતો. ભોગ બનનાર ૪ લોકો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામના ચાર લોકોનું ઈરાનમાં અપહરણ થવાથી આખા વિસ્તારમાં ચકચાર મચી છે. અપહરણ થયેલા યુવકોનો માર મારતા હોવાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પરિવારોમાં હાહાકાર મચી ગયો છે. ભોગ બનનાર ૪ લોકો ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા હતા
માહિતી અનુસાર અપહરણ થયેલા ચારેય લોકો અજય ચૌધરી, પ્રિયા ચૌહાણ, અનિલ ચૌધરી, અને નિખિલ ચૌધરી ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. તેઓને પહેલા દૂબઈ લઈ જવાયા, પછી ત્યાંથી બેંકોક અને ત્યારબાદ ઈરાન પહોંચાડાયા. ત્યાં જઈને અજાણ્યા લોકોએ તેમનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
વિડિયોમાં અપહરણ કરાયેલાં લોકોને શારીરિક ત્રાસ આપવામાં આવતો જોવા મળે છે. જેને જોઈને પરિવારજનો ગભરાઈ ગયા છે. આ મુદ્દે માણસા વિધાનસભાના ધારાસભ્ય જે. એસ. પટેલે તાત્કાલિક પગલાં લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે અને ભારત સરકાર દ્વારા ઈરાન સરકાર સાથે સંકલન કરી ચારેયને સુરક્ષિત રીતે પરત લાવવા માંગ કરી છે.
