Western Times News

Gujarati News

પ્રવીણ માળીએ રાણીપ બસ પોર્ટ અને GSTRC કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી

મંત્રીશ્રીએ મુસાફરોની સુવિધા વ્યવસ્થાઓ, જીએસઆરટીસીના વિવિધ વિભાગો તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું

જાહેર પરિવહન ક્ષેત્રે અનેકવિધ નવીન ઉપક્રમો અને પ્રકલ્પો થકી નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ સતત પ્રયાસરત :- વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી

વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળીએ રાણીપ બસ પોર્ટ અને જીએસઆરટીસી(GSTRC) કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને મુસાફરોની સુવિધા અને સુરક્ષાની વ્યવસ્થાઓ નિહાળી હતી.

મંત્રીશ્રીએ મુસાફરોના આવાગમન, પ્રતીક્ષા, ખાન-પાન અને અન્ય પરિવહન સંબંધિત સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી હતી. મંત્રીશ્રીએ રાણીપ બસ પોર્ટ પર પ્રવાસીઓ અને કર્મચારીઓ સાથે સંવાદ સાધીને બસ સુવિધાઓ અને અન્ય બાબતો અંગે પૃચ્છા કરી હતી.

વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રીએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લઈને બસ સંચાલનની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં મંત્રીશ્રીએ રાજ્યભરમાં થતું બસ સંચાલન, ટ્રીપ પ્લાનિંગ, ઇન્સિડન્ટ મોનીટરીંગ, કોલ સેન્ટરની કામગીરી, બસ મેપિંગ, રેગ્યુલારીટી, બસ ટ્રેકિંગ, ઇવેન્ટ મોડ્યુલ, મુસાફરો માટેની સુવિધાઓ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળીએ તેમની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવા સતત પ્રતિબદ્ધ છે. જાહેર પરિવહન ક્ષેત્રે અનેકવિધ નવીન ઉપક્રમો અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પ્રકલ્પોના સફળ અમલીકરણ માટે રાજ્ય માર્ગ પરિવહન નિગમ સતત પ્રયાસરત છે એમ તેમણે ઉમેર્યું હતું.

વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓએ મંત્રીશ્રીને GSRTCના વિવિધ વિભાગોની કામગીરી, સંચાલન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઑપરેશન, સર્વિસીસ, નવા ઈનિશિયેટિવ્સ, ઈ-ગવર્નન્સ સહિત વિવિધ વિભાગોની જવાબદારીઓ અને કામગીરી અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

આ મુલાકાત દરમિયાન સ્થાનિક ધારાસભ્ય શ્રી ડો. હર્ષદભાઈ પટેલ, જીએસઆરટીસી(GSTRC) અને વાહનવ્યવહાર વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.