Western Times News

Gujarati News

ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ – ગુજરાત 5.0”ના પ્રથમ તબક્કાના પરિણામો જાહેર

પ્રથમ તબક્કામાં કુલ ૨૩૧ ટીમોને રૂ.૯૨.૨૫ લાખના રોકડ ઇનામની જાહેરાત

રાજ્ય સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST)દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા “રોબોફેસ્ટ – ગુજરાત 5.0”ના પ્રથમ તબક્કાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ તબક્કામાં કુલ ૨૩૧ ટીમોને રૂ.૯૨.૨૫ લાખના રોકડ ઇનામની જાહેરાત કરવામાં આવી છે,જે ગુજરાતના ઉદયમાન નવીનતા અને ટેકનોલોજીકલ ઈકોસિસ્ટમના મજબૂત પગથિયાની સાબિતી છે.

રૂ.૫.૦૦ કરોડના કુલ ઇનામ  સાથે શરૂ થયેલ રોબોફેસ્ટ – ગુજરાત આજે માત્ર સ્પર્ધા નહીં, પરંતુ એક રાષ્ટ્રીય ટેકનોલોજીકલ પહેલ બની ગઇ છે.  સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા સંકલ્પિત અને ગુજકોસ્ટ દ્વારા અમલમાં મુકાયેલ આ ફ્લેગશિપ પહેલ યુવાનોને સર્જનાત્મક વિચાર, ટેકનોલોજી ડિઝાઇન અને પ્રોબ્લેમ સોલ્વિંગ માટે પ્રોત્સાહિત કરે છે.

૧૧મી જુલાઈ,૨૦૨૫ના રોજ લોન્ચ થયેલ આ સ્પર્ધાને સમગ્ર ભારતમાંથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં ૧૯૮ યુનિવર્સિટીઓ, ૧૨૭ શાળાઓ, ૫૪ પોલિટેક્નિક કોલેજો અને ૭ આઈટીઆઈઓમાંથી કુલ ૨૦૯૬ ટીમોના ૧૦,૪૮૦ વિદ્યાર્થીઓ અને માર્ગદર્શકોએ ભાગ લીધો હતો.

રોબોફેસ્ટની ટેકનિકલ એડ્વાઇઝરી કમિટી (TAC) દ્વારા મળેલા ૧,૦૯૭ વિચાર પ્રસ્તાવોમાંથી ૨૩૧ ટીમો Level–2 (Proof of Concept) માટે પસંદ કરવામાં આવી છે. આમાંથી ૧૩૮ ટીમો સિનિયર કેટેગરી અને ૯૩ જુનિયર કેટેગરી હેઠળ પસંદ થઈ છે. દરેક સિનિયર ટીમને રૂ.૫૦,૦૦૦ અને જુનિયર ટીમને રૂ.૨૫,૦૦૦ Level–1 માટે ઇનામરૂપે આપવામાં આવશે. Level–2 માટે દરેક સિનિયર ટીમને રૂ.૨ લાખ અને જુનિયર ટીમને રૂ.૧ લાખ ફંડ આપવામાં આવશે જેથી તેઓ આગામી બે મહિનામાં પ્રોટોટાઇપ તૈયાર કરી શકે. સિનિયર કેટેગરીમાં ૮૯ ટીમો ગુજરાતમાંથી છે, જ્યારે ૪૯ ટીમો IIT મદ્રાસ, IIT કાનપુર, NIT ત્રિચી, NIT રૌરકેલા, જાદવપુર યુનિવર્સિટી, MNIT જયપુર, અને VIT ચેન્નાઈ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી છે.

આ અવસર પર રાજ્યના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના  સચિવ શ્રીમતી પી.ભારતી એ જણાવ્યું કે, “ગુજરાતનું વિજ્ઞાન,ટેકનોલોજી અને ઈનોવેશન ઈકોસિસ્ટમ જિજ્ઞાસા અને સહયોગનું શક્તિશાળી કેન્દ્ર છે. જ્યાં વિચારો નવીનતામાં પરિવર્તિત થાય છે અને યુવા મગજ ટેકનોલોજી દ્વારા ભવિષ્યનું નિર્માણ કરે છે. રોબોફેસ્ટ – ગુજરાત એ પ્રતિભાને પોષણ આપવાની અને આત્મનિર્ભર ભારત નિર્માણ કરવાની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”

અગાઉની આવૃત્તિઓમાં રોબોફેસ્ટ દ્વારા વિકસાવવામાં આવેલા ૧૦૦થી વધુ કાર્યરત પ્રોટોટાઇપ્સ અને કેટલાંક પ્રોવિઝનલ પેટન્ટ્સ એ સાબિત કરે છે કે આ કાર્યક્રમ માત્ર શૈક્ષણિક માળખું નહીં, પરંતુ ટેકનોલોજીકલ ઉદ્યોગસાહસ માટેનું પ્રેરણાકારક પ્લેટફોર્મ છે. રોબોફેસ્ટ – ગુજરાત 5.0 રાજ્યના STEM શિક્ષણ, નવોદ્દીપન અને ટેકનોલોજીકલ ઉદ્યોગસાહસના ઈકોસિસ્ટમને વધુ મજબૂત બનાવે છે.

હવે જ્યારે આ ૨૩૧ ટીમો પોતાના રોબોટિક પ્રોજેક્ટ્સને આકાર આપવા આગળ વધી રહી છે,ત્યારે રોબોફેસ્ટ – ગુજરાત ફરીથી પોતાની વારસાગાથા મજબૂત કરી રહ્યું છે. એક એવી નવ યુવા પેઢીને પ્રેરણા આપતી પહેલ, જે  સાયન્સ, એન્જિનિયરિંગ અને ઈનોવેશનના માધ્યમથી આત્મનિર્ભર ભારતના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.