Western Times News

Gujarati News

મારા બધા ધારાસભ્યો નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવા માટે ટેકો આપશેઃ ચિરાગ પાસવાન

નીતિશ કુમાર જ NDAના CM પદના ચહેરા, મારા ધારાસભ્યો કરશે સમર્થન

(એજન્સી)પટણા, લોજપા (રામવિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આગામી ચૂંટણીઓમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે નીતિશ કુમારને ખુલ્લું સમર્થન આપ્યું છે. ચિરાગ પાસવાને સ્પષ્ટ કર્યું કે તેમના બધા ધારાસભ્યો નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવા માટે ટેકો આપશે.

આ ઉપરાંત ચિરાગ પાસવાને વધુમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૦માં તેઓ એકલા લડ્યા હતા ત્યારે પણ એનડીએએ સરકારની રચના કરી હતી, પરંતુ હવે તો એનડીએ પહેલાં કરતાં પણ વધારે મજબૂત છે અને આ પાંચ પક્ષોનું એક સ્ટ્રોંગ વિનિંગ કામ્બિનેશન છે.

આ સાથે જ ચિરાગ પાસવાને મહાગઠબંધન પર જોરદાર પ્રહારો કર્યા. તેમણે મહાગઠબંધનના સીએમ ચહેરા અને આરજેડી નેતા તેજસ્વી યાદવ પર વકફ બિલને લઈને મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો.

વકફ બિલ વિશે ચિરાગ પાસવાને સ્પષ્ટતા કરી કે, આ બિલ કેન્દ્ર સરકારે પસાર કર્યું છે અને તેને ફાડવાથી કોઈ અસર નહીં થાય. તેમણે મહાગઠબંધન પર સવાલ ઉઠાવતા કહ્યું કે, તેજસ્વી યાદવની પાર્ટી મુસ્લિમ સમાજને માત્ર વોટબેન્ક તરીકે ઉપયોગમાં લે છે, કારણ કે ગઠબંધનમાં મુસ્લિમ પ્રતિનિધિત્વનો અભાવ છે.

આ સાથે જ ચિરાગ પાસવાને પ્રશ્ન કર્યો કે, શા માટે તેજસ્વીના પરિવાર સિવાય અન્ય કોઈ યાદવ મુખ્યમંત્રી ન બની શકે? જ્યારે નાયબ મુખ્યમંત્રીની ઘોષણા થઈ, ત્યારે મુસ્લિમ સમાજમાંથી કોઈને કેમ ન પસંદ કરાયા? તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમારી પાર્ટી મુસ્લિમ પ્રતિનિધિત્વ માટે ચોક્કસપણે સૂચન કરશે.

ચિરાગ પાસવાને તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી દ્વારા જનનાયક કર્પૂરી ઠાકુરના શીર્ષકને ચોરી કરવાના પ્રયાસો પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે આ વિષય રાજકારણથી ઉપર છે અને કર્પૂરી ઠાકુરનું જનનાયક શીર્ષક લેવાથી કર્પૂરી સાહેબના વિચારો પર ચાલનારા દરેક વ્યક્તિની લાગણીઓને ઠેસ પહોંચે છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારના પગ સ્પર્શ કરવાના સવાલનો જવાબ આપતા ચિરાગ પાસવાને તેને પોતાના સંસ્કાર ગણાવ્યા. તેમણે કહ્યું કે, નીતિશ કુમાર ઉંમર અને અનુભવમાં મોટા હોવાથી હું તેમનું સન્માન કરું છું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.