વધુ વળતર મળશે તેવી લાલચો આપીને સાળા બનેવી પાસેથી ૪૦ લાખ રૂપિયા લઈ છેતરપિંડી
પ્રતિકાત્મક
સિલિકોન રિયલ એસ્ટેટના માલિક અને પત્નીએ ૪૦ લાખની છેતરપિંડી આચરી
(એજન્સી)અમદાવાદ, એસજી હાઈવે પર વેસ્ટ બિલ્ડીંગમાં આવેલા સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ અને સિલિકોન રિયલ એસ્ટેટના માલિક અને તેમના પત્નીએ ભેગા મળીને રોકાણ કરશો તો વધુ વળતર મળશે તેવી લોભામણી લાલચો આપીને સેટેલાઈટમાં રહેતા સાળા બનેવી પાસેથી ૪૦ લાખ રૂપિયિા લીધા હતા.
જો કે, સમયમર્યાદા પૂર્ણ થયા બાદ ૪૦ લાખ દંપતીએ પરત આપ્યા ન હતા. આ અંગે પીડિતે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જોધપુરમાં રહેતા કમલેશભાઈ શાહ નિવૃત્ત જીવન પરિવારજનો સાથે જીવી રહ્યા છે. એસજી હાઈવે પર વેસ્ટગેસ્ટ બિલ્ડીંગમાં આવેલા સિલિકોન વેલ્થ મેનેજમેન્ટ અને સિલિકોન રિયલ એસ્ટેટના માલિક સિદ્ધાર્થ રાવળ અને પાયલ રાવળ બન્ને કમલેશભાઈને મળવા માટે તેમના ઘરે ગયા હતા.
દંપતીએ પોતાની કંપનીમાં રોકાણ કરો તો તમને વધુ વળતર મળશે તેવી લોભામણી લાલચ આપીને તેમની પાસે શરૂઆતમાં ૧૦ લાખનું રોકાણ કરાવ્યું હતું. આ પેટે દંપતીએ તેમને માસિક ૩૦ હજાર રૂપિયા વળતર થોડા મહિના ચૂકવ્યું હતું. આ બાદ ફરીથી દંપતીએ ફરિયાદીને વધુ રોકાણ કરો તો તમને માસિક ૬ ટકા વળતર આપીશું તેવી લાલચ આપતા વધુ ૧૦ લાખ રૂપિયા અને સાળા દીપક શાહે ર૦ લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
સાળા બનેવીએ રોકાણ અંગે એગ્રીમેન્ટ બનાવવાનું કહેતા થોડા દિવસોમાં બનાવી આપવાનું કહીને બહાના કાઢયા હતા અને ૩થી ૪ મહિના સુધી ૪૦ લાખનું વળતર ચૂકવ્યું ન હતું. બીજી તરફ ફરિયાદી અને તેમના સાળાને જાણ થઈ કે, દંપતી પૈસા લઈને ફરાર થઈ ગયા છે.
