ચીન ફરીથી અમેરિકા પાસેથી સોયાબીન ખરીદવાનું શરૂ કરશે
ટ્રમ્પે જાપાનના સમ્રાટ નારુહિતો સાથે ટોક્યોમાં મુલાકાત કરી
બંને દેશો વચ્ચે સમજૂતિને પગલે અમેરિકા ચીન પર ૧૦૦% ટેરિફ નહીં લાગુ કરે ઃ વેપાર કરારનું માળખું તૈયાર કરાયું
વોશિંગ્ટન ડિસી,અમેરિકા અને ચીન વચ્ચે વેપાર કરાર માટે માળખું લગભગ તૈયાર થઈ ગયું છે. અમેરિકાના નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે, ચીનના સામાનની આયાત પર વધારાની ૧૦૦ ટકા ટેરિફનો અમલ ટાળવા માટે બંને દેશોએ માળખા માટે કરાર પર સહમતિ સાધી છે. ચીન ઉપર ૧૦૦ ટકા ટેરિફનો અમલ હવે ટળ્યો છે. આ સાથે જ ચીન અમેરિકા પાસેથી પુનઃ સોયાબીન ખરીદવાનું શરૂ કરશે. અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ૧લી નવેમ્બરથી ચીન પર ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરવાની ધમકી આપી હતી.
ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત પૂર્વે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સપ્તાહે ગુરુવારે બંને દેશોના વડાઓ દક્ષિણ કોરિયામાં મુલાકાત કરશે. આ બેઠકમાં બંને નેતાઓ વેપાર કરાર માટેના માળખા પર ચર્ચા કરશે. ટ્રમ્પ હાલમાં એશિયાના દેશોના પ્રવાસ પર છે. ટ્રમ્પે મલેશિયાથી પ્રવાસની શરૂઆત કરી હતી. અહીં આસિયાન સમિટમાં થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કાર્યક્રમમાં ટ્રમ્પ હાજર રહ્યા હતા.
અમેરિકાના રાષ્ટ્રપતિ તેમના એશિયાના પ્રવાસ દરમિયાન ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરી શકે છે. કિમ સાથે મુલાકાત માટે એશિયાના પ્રવાસને થોડા દિવસ લંબાવવાની ટ્રમ્પે તૈયારી દર્શાવી છે. જો કે આ મુલાકાત અંગે અનિશ્ચિતતા છે. ટ્રમ્પ તંત્રના અધિકારીએ જણાવ્યું કે, બંને નેતાઓ વચ્ચે ખાનગી બેઠક યોજવા માટે ચર્ચા કરવામાં આવી છે. સોમવારે ટ્રમ્પે જાપાનના સમ્રાટ નારુહિતો સાથે ટોક્યોમાં મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ટ્રમ્પે સમ્રાટ નારુહિતોને મહાન શખ્સ ગણાવ્યા હતા.ss1
