બ્રિટનમાં શીખ મહિલા પર વંશીય ટિપ્પણી બાદ બળાત્કાર ગુજારાયો
એક માસમાં બે મહિલાઓ પર હુમલાથી શીખોમાં ડરનો માહોલ
સાંસદોએ અપરાધી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની તથા ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે જરૂરી પગલાં લેવાની માગ કરી હતી
લંડન, અમેરિકા અને બ્રિટન જેવા પશ્ચિમી દેશોમાં ભારતીય સહિતના એશિયન મૂળના લોકો વિરુદ્ધ વંશીય હિંસાના બનાવોમાં સતત ચિંતાજનક હદે વધારો થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડમાં શનિવારે બનેલી આવી જ એક વંશિય હિંસાની ઘટનામાં હુમલાખોરે ભારતીય મૂળની પંજાબી યુવતિ પર વંશિય નફરત રાખી હુમલો કર્યા બાદ બળાત્કાર ગુજાર્યાે હતો. પોલીસે આ મામલે સોમવારે એક શખ્સની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, થોડાં સમય અગાઉ લંડન નજીકના ઓલ્ડબરી વિસ્તારમાં એક બ્રિટિશ શીખ મહિલા પર વંશિય હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના બની હતી.આ અંગે માહિતી આપતા ડિટેક્ટિવ સુપરિન્ટેન્ડન્ટ રોનાન ટાયરરે જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજના આધારે સોમવારે પેરી બાર વિસ્તારમાંથી એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરાઈ છે. તેમણે જણાવ્યું હતું કે, અમારી પ્રાથમિકતા પીડિત મહિલાને તમામ મદદ ઉપલબ્ધ બનાવવાની છે. હુમલાખોર શ્વેત વર્ણનો અને આશરે ૩૦ વર્ષની વયનો છે.
આ ઘટના અંગે ચિંતાની લાગણી વ્યક્ત કરતાં યુકેના શીખ ફેડરેશને જણાવ્યું હતું કે, હુમલાખોર પીડિત મહિલાના મકાનનો દરવાજો તોડી ઘરમાં ઘૂસ્યો હતો.છેલ્લાં બે મહિનામાં વેસ્ટ મિડલેન્ડ્સમાં શીખ મહિલાઓ પર હુમલાની આ બીજી ઘટના બનતાં જ અહીંના શીખ સમુદાયમાં ડરની લાગણી પ્રવર્તી રહી છે.
બ્રિટનના શીખ સાંસદ પ્રીત કૌર ગીલ તથા તનમનજીત સિંઘ ઢેસીએ આ અંગે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વોલસોલની મહિલા સાથે બનેલી ઘટના અને તે અગાઉની ઘટના એ બંને વંશિય નફરતથી પ્રેરિત હતી. બંને સાંસદોએ અપરાધી વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની તથા ભવિષ્યમાં આવી ઘટના ના બને તે માટે જરૂરી પગલાં લેવાની માગ કરી હતી.ss1
