દેશભરમાં નોંધાયેલા તમામ ડિજિટલ એરેસ્ટ કેસની તપાસ CBIને સોંપવા વિચારણા
દેશભરમાં ડિજિટલ એરેસ્ટના ગુનામાં વધારો નોંધાયો
સર્વાેચ્ચ અદાલતે તમામ રાજ્યો પાસેથી ડિજિટલ એરેસ્ટની ઘટનાઓના મામલે એફઆઈઆરની વિગતો માગી
નવી દિલ્હી, દેશભરમાં ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં ચિંતાજનક વધારાના પગલે સુપ્રીમ કોર્ટે આવા તમામ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની વિચારણા હાથ ધરી છે. દેશભરમાં ડિજિટલ એરેસ્ટના ગુના સંદર્ભે નોંધાયેલી એફઆઈઆરની વિગતો સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારો અન કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે માગી છે. પોલીસ-સીબીઆઈ અધિકારી અથવા સરકારી અધિકારીના સ્વાંગમાં સામાન્ય નાગરિકો સાથે ઠગાઈ આચરનારા તત્ત્વોએ દેશભરમાં તરખાટ મચાવ્યો છે.
ઓડિયો અથવા વીડિયો કોલ મારફતે પીડિતને ડિજિટલ એરેસ્ટ કરીને જંગી નાણાં પડાવવાના કિસ્સા વધી રહ્યા છે. જસ્ટિસ સૂર્યા કાંત અને જોયમલય બાગચીની બેન્ચે આ પ્રકારના કિસ્સાઓની ગંભીર નોંધ લઈ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ડિજિટલ એરેસ્ટ કેસ સંદર્ભે નોટિસ પાઠવી છે. હરિયાણાના અંબાલા ખાતે કોર્ટના નકલી હુકમો બતાવી સિનિયર સિટિઝન દંપતિ સાથે રૂ.૧.૦૫ કરોડ પડાવી લેવાયા હતા.
સુપ્રીમ કોર્ટે આ કેસની નોંધ લઈ તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ પાઠવી છે અને ૩ નવેમ્બર સુધીમાં જવાબ માગ્યો છે. જેમાં ડિજિટલ એરેસ્ટની એફઆઈઆ, તપાસની સ્થિતિ અને કાર્યવાહી અંગે અહેવાલ રજૂ કરવાના નિર્દેશ અપાયા છે. આ તમામ વિગતો સાથે રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોએ સોગંદનામા સાથે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો રહેશે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા સીબીઆઈને આવા તમામ કેસની તલસ્પર્શી તપાસ સોંપવાના આદેશ થઈ શકે છે.ss1
