વિદ્યાર્થીઓની આત્મહત્યા મુદે સુપ્રીમે કેન્દ્ર સરકારનો ખુલાસો માગ્યો
સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન્સમાં ૧૫ મુદ્દા સૂચવ્યા
વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ જાળવવા અંગેની માર્ગદર્શિકાના અમલ બાબતે કેન્દ્ર જાણ કરેઃ સુપ્રીમ
નવી દિલ્હી,શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ જાળવવા તથા આત્મહત્યા અટકાવવા બાબતે સુપ્રીમ કોર્ટે અગાઉ માર્ગદર્શિકા જાહેર કરી હતી. કેન્દ્ર સરકારને ૮ અઠવાડિયામાં તેના અમલ અંગેનો અહેવાલ રજૂ કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની બેન્ચે માર્ગદર્શિકાના અમલ માટે કેન્દ્ર દ્વારા લેવાયેલાં પગલાંનો અહેવાલ સોગંદનામા સ્વરૂપે રજૂ કરવા નિર્દેશ આપ્યા છે.
સુપ્રીમ કોર્ટે ૨૫ જુલાઈના રોજ આપેલા ચુકાદામાં કેન્દ્ર સરકારને ગાઈડલાઈન્સ સૂચવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ પ્રાઈવેટ કોચિંગ સેન્ટર્સમાં વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા, બે મહિનામાં અમલ થઈ શકે તેવા નિયમો ઘડવા અને વિદ્યાર્થીઓના રક્ષણના ધોરણો નક્કી કરવા નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટે ૯૦ દિવસમાં ગાઈડલાઈન્સના અમલનું સોગંદનામુ રજૂ કરવા અગાઉ નિર્દેશ આપ્યા હતા. આગામી આઠ અઠવાડિયામાં ગાઈડલાઈન્સના અમલનો જવાબ રજૂ કરવા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે અને કેસની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનામાં રાખી છે.
શૈક્ષણિક સંસ્થાઓમાં વધી રહેલા આત્મહત્યાના કિસ્સાઓની ગંભીર નોંધ લેતાં સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થની જાળવણી તથા આપઘાતના કિસ્સા નિવારવા માટે ચોક્કસ માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સાથે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સેન્ટર્સમાં વિદ્યાર્થીઓ માટે મોકળાશસભર માહોલની જરૂરિયાત છે અને તેના માટે સમાન કાનૂની-નિયમનકારી માળખાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન્સમાં ૧૫ મુદ્દા સૂચવ્યા હતા અને વિદ્યાર્થીલક્ષી જોગવાઈઓના કાનૂની અમલ માટે સક્ષમ સત્તામંડળની રચના ન થાય ત્યાં સુધી ગાઈડલાઈન્સને અમલી રાખવા નિર્દેશ આપ્યા હતા.ss1
