પાક ધિરાણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસે રજૂઆત કરી
અતિવૃષ્ટિ સહાયના રૂ.૧૭૬૯ કરોડમાંથી ૫૦૦ કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી ?
જૂના પેકેજ પૈકી એકેય ખેડૂતને એક રૂપિયો પણ આજે એક વર્ષ પુરુ થયા પછી પણ મળ્યો નથી એવો આક્ષેપ કિસાન નેતાએ કર્યાે છે
નવી દિલ્હી,રાજ્યમાં ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવા ગુજરાત કિસાન કોંગ્રેસે રજૂઆત કરી છે. તેમાં જણાવ્યા મુજબ, જ્યારે ખરીફ પાક તૈયાર છે અને આ તૈયાર પાકને ખેતરમાંથી લણણી કરવાનો જ સમય છે, ત્યારે જ કુદરત રૂઠી છે અને ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક પર માવઠારૂપી પાણી ફરી વળ્યું છે તેનાથી માઠી હાલત થઈ છે.
પત્રમાં ઉમેર્યું છે કે ૨૦૨૪ના જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ માટે સરકારે અનુક્રમે ૩૧૯ કરોડ અને ૧૪૫૦ કરોડ એમ કુલ મળીને ૧૭૬૯ કરોડની જાહેરાત તો કરી દીધી, પણ વાસ્તવમાં સરકારે ૧૭૬૯ કરોડમાંથી ૫૦૦ કરોડ પણ ચૂકવ્યા નથી. એ જ રીતે ઓક્ટોબર ૨૦૨૪માં આવેલ માવઠા માટે સરકારે આ માવઠાના ૧૦ મહિના સુધી પેકેજ પાઈપ લાઈનમાં છે એવું જ કહ્યા રાખ્યા બાદ જ્યારે ઓગષ્ટ ૨૦૨૫માં આ પેકેજ જાહેર કર્યું ત્યારે માત્ર ૬ જિલ્લાઓ માટે જ જાહેર કર્યું અને એ પણ માત્ર કપાસના પાક માટે જ પેકેજ જાહેર કર્યું.
જૂના પેકેજ પૈકી એકેય ખેડૂતને એક રૂપિયો પણ આજે એક વર્ષ પુરુ થયા પછી પણ મળ્યો નથી એવો આક્ષેપ કિસાન નેતાએ કર્યાે છે. હાલ પડેલો વરસાદ અગાઉથી ત્રણ ગણો છે, હજુ ખેડૂતોના ખેતરમાં પાણી ભર્યાં છે, તો હાલ ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા રૂ.૧ લાખ આપવા જોઈએ અને પાક નુકસાનની સામે જાહેર કરવામાં આવેલું રાહત પેકેજ પણ ખેડૂતોની મજાક સમાન હોવાનો આક્ષેપ પણ કરાયો છે.ss1
