કેપ્ટન સૂર્યાના કંગાળ ફોર્મથી જરાય ચિંતિત નથીઃ ગંભીર
ભારતીય ટીમ હાલમાં ટી૨૦માં અલ્ટ્રા આક્રમક સ્ટાઇલનું ક્રિકેટ રમી રહી છે
અમે સૌથી વધારે આક્રમક અને નીડર ટીમ બનીએ તેવું હું ઇચ્છું છું. નીડર બનવામાં ખેલાડીઓ ભૂલ કરી શકે છે
મુંબઈ,ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે અને બુધવારથી તે પાંચ મેચની ટી૨૦ સિરીઝ રમવાની છે ત્યારે ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ બેટિંગમાં ખાસ સારું ફોર્મ ધરાવતો નથી પરંતુ ટીમના ચીફ કોચ ગૌતમ ગંભીરને આ અંગે જરાય ચિંતા નથી. ગંભીરે જણાવ્યું હતું કે જ્યાં સુધી ટીમ સારો દેખાવ કરી રહી છે અને સફળતા હાંસલ કરી રહી છે ત્યાં સુધી સૂર્યકુમાર યાદવના ફોર્મની મને ચિંતા નથી.ભારતીય ટીમ હાલમાં ટી૨૦માં અલ્ટ્રા આક્રમક સ્ટાઇલનું ક્રિકેટ રમી રહી છે. તાજેતરમાં જ તેણે યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજાયેલા એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કરીને ટાઇટલ જીતી લીધું હતું.
જોકે આ ટુર્નામેન્ટ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં ન હતો. તેણે એશિયા કપમાં સાત ઇનિંગ્સમાં માત્ર ૭૨ રન ફટકાર્યા હતા. જોકે આ પ્રકારના ફોર્મ છતાં સૂર્યકુમાર યાદવને ટીમના ચીફ કોચ ગૌતમ ગંભીર તરફથી સપોર્ટ મળ્યો છે. ગંભીરે જણાવ્યું હતું કે પ્રામાણિકતાથી કહું તો સૂર્યાનું કંગાળ ફોર્મ મને જરાય ચિંતિત કરતું નથી કેમ કે અમે હાલમાં અલ્ટ્રા આક્રમક રમતની યોજના ઘડી છે અને તમે જ્યારે આ પ્રકારની ફિલસૂફી અપનાવતા હો ત્યારે નિષ્ફળતા તો આવવાની જ છે.ગંભીરે સૂર્યકુમારને સમર્થન આપીને જણાવ્યું હતું કે ટીમ વધારે પડતું આક્રમક રમવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી હોવાને કારણે નિષ્ફળતા પણ મળે છે.
પ્રામાણિકપણે સૂર્યકુમારની બેટિંગ ફોર્મની મને સહેજ પણ ચિંતા નથી કારણ કે અમે ડ્રેસિંગરૂમમાં વધારે પડતો આક્રમક અભિગમ અપનાવ્યો છે. સૂર્યકુમાર માટે ૩૦ બોલમાં ૪૦ રન ફટકારીને ટીકાથી દૂર રહેવું એક દમ આસાન છે પરંતુ અમે તમામે મળીને નક્કી કર્યું છે કે આક્રમકતા અપનાવીને નિષ્ફળ રહેવું તે કોઇ મોટી સમસ્યા નથી તેમ ભારતીય ટીમના કોચે ઉમેર્યું હતું.ગૌતમ ગંભીરે જણાવ્યું હતું કે એશિયા કપમાં અભિષેક શર્મા તથા તિલક વર્મા જેવા ખેલાડીઓએ તોફાની બેટિંગથી ધૂમ મચાવી દીધી હતી. અમારું ધ્યાન કોઇ એક ખેલાડી ઉપર નહીં પરંતુ પૂરી ટીમ ઉપર છે. સૂર્યકુમાર રિધમમાં આવી જશે તો તે પોતાની જવાબદારી અદા કરશે. તેને એક મોટી ઇનિંગ્સની જરૂર છે.
ટી૨૦ ક્રિકેટમાં અમારું ધ્યાન વ્યક્તિગત સ્કોર ઉપર નહીં પરંતુ જેવી રીતે અમે રમવા ઇચ્છીએ છીએ તેની ઉપર રહે છે. અમારી ૨ણનીતિથી કદાચ કોઈ બેટર વધારે નિષ્ફળ બની શકે છે પરંતુ આખરે મેચમાં રનના બદલે રમવાનો કેવો પ્રભાવ પડે છે તેની ઉપર તમામ બાબતો આધાર રાખે છે. સૂર્યકુમાર એક શાનદાર વ્યક્તિ છે અને સારો વ્યક્તિ ટોચના સ્તરનો લીડર બની શકે છે. મારું કામ તેની રમતને સમજીને તેને સલાહ આપવાનું છે. ss1
