Western Times News

Gujarati News

કમોસમી વરસાદથી ભાવનગર જિલ્લાના ખેડૂતોને ભારે નુકશાન

મુખ્ય મુદ્દાઓ:

  • માવઠાનો કહેર: ગુજરાતના ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે મગફળી, ડુંગળી, જુવાર અને કપાસ જેવા પાકોને ભારે નુકશાન થયું છે.
  • પાક નષ્ટ: મગફળીના પાથરા પલળી ગયા, ઊભેલા પાક પાણીમાં ઢળી પડ્યા, જેના કારણે ખેડૂતોની આવકની આશા પર પાણી ફરી વળ્યું.
  • આર્થિક નુકશાન: ખેડૂતોને પાક વેચાણની તૈયારી હતી, પણ વરસાદે પાક નષ્ટ કરી દેતા ખર્ચ પણ નિકળે તેમ નથી.
  • વિસ્તૃત અસર: મહુવા, જેસર, સિહોર, ગારિયાધાર, પાલીતાણા, ઉમરાળા, તળાજા સહિતના તાલુકાઓમાં ૨ થી ૧૧ ઇંચ વરસાદ પડ્યો.
  • સરકારી સહાયની માંગ: ખેડૂતો સરકાર પાસે પાક નુકશાનીના સર્વે અને યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે.
  • હવામાન વિભાગની આગાહી: આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી છે, જેના કારણે વધુ નુકશાનીની આશંકા છે.

ભાવનગર,  માવઠાએ ખેડૂતોના હાલ બેહાલ કર્યા છે. અનેક તાલુકામાં પાકને મોટાપાયે નુકસાન થયું છે. મગફળી, ડુંગળી, જુવાર અને કપાસ સહિતનો પાક નષ્ટ થતાં ખેડૂતોને મોટાપાયે નુકસાની ભોગવવાનો વારો આવ્‍યો છે. મગફળીના પાથરા પલળી જતા મોઢે આવેલો કોળિયો છીનવાયો ગયો.

ખેડૂતોને આશા હતી કે સારુ ઉત્‍પાદન થશે અને આવક પણ સારી મળશે પરંતુ માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી નાંખ્‍યું. હવે તો ખેડૂતોએ કરેલા ખર્ચ પણ નિકળે તેમ નથી. જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે સરકાર પાક નુકસાનીનો સર્વે કરાવે અને વળતર આપે. જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે કાળો કહેર વરસાવતા ખેડૂતો મુશ્‍કેલીમાં મૂકાયા છે.

જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ વરસ્‍યો હતો, જેના કારણે મહુવા, જેસર, સિહોર, ભાવનગર સહિત અનેક તાલુકા પંથકમાં ખેત પાકોમાં વ્‍યાપક નુકસાન થયું છે. જેમાં સિહોર પંથકમાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે તૈયાર ઊભેલો કપાસ, મગફળી, ડુંગળી, જુવાર, સહિતના પાકોને ભારે નુકશાન થતા ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવાનો વારો આવ્‍યો છે.

ત્‍યારે સરકાર વહેલી તકે ખેડૂતોના ખેતર સુધી પહોંચી સર્વે કરાવી નુકશાન સામે વળતર ચૂકવે તેવી આશા ખેડૂતો વ્‍યક્‍ત કરી રહ્યા છે. ચોમાસા દરમ્‍યાન મેઘરાજા કયારેક મહેર કરી હેત વરસાવતા હોય છે, તો કયારેક કાળોકહેર બની કમોસમી વરસાદરૂપી વરસી જતા જનજીવન પર ખૂબ માઠી અસર જોવા મળતી હોય છે. ગુજરાતમાંથી હજુ તો થોડા દિવસ પૂર્વે જ ચોમાસાએ વિદાય લીધી છે, ત્‍યાંજ ફરી વરસાદી સિસ્‍ટમ સક્રિય બનતા ચારે તરફ કાળો કહેર વરસાવ્‍યો છે.

ભાવનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકામાં ચોમાસાની સીઝનમાં ૧૦૦ ટકાથી પણ વધુ વરસાદ વરસ્‍યો હતો. સારો વરસાદ વરસતા વાડી, ખેતરોમાં મગફળી, સરગવો, કપાસ, ડુંગળી, જુવાર જેવા પાકોમાં ખૂબ સારૂ ઉત્‍પાદન મળે એવી ખેડૂતોને આશા હતી, પરંતુ ચોમાસા બાદ પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. હવામાન વિભાગે ૪ દિવસ ભારે વરસાદ વરસવાની આગાહી કરી હતી, જેને લઈને છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ ભાવનગર જિલ્લાને ઘમરોળી રહ્યો છે.

જિલ્લાના તમામ તાલુકામાં ૨ થી ૧૧ ઇંચ સુધી કમોસમી વરસાદ વરસ્‍યો છે, જેના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્‍યું છે. તેમજ ખેડૂતોના મોમાં આવેલો કોળિયો જાણે કે છીનવાઈ ગયો હોય એવી સ્‍થિતિનું નિર્માણ થયું છે. કમોસમી વરસાદે પ્રથમ મહુવા ને જેસર પંથકને ઝપેટમાં લીધા હતા. જ્‍યારે બીજા દિવસે મોડીરાત્રિથી મેઘો મંડાતા જિલ્લાના મહુવા, જેસર, સિહોર, ગારિયાધાર, પાલીતાણા, ઉમરાળા, વલભીપુર, તળાજા, ઘોઘા અને ભાવનગર તાલુકા પંથકને તરબોળ કરી દેતા ખેતપાકોમાં વ્‍યાપક નુકશાન થયું છે.

મીડિયાની ટીમે સિહોર તાલુકા પંથકમાં ખેતરો સુધી પહોંચી ખેડૂતોની વ્‍યથા સાંભળી હતી. રાજ્‍યમાં કારતક માસમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત પર અલગ અલગ ત્રણ વરસાદી સિસ્‍ટમ સક્રિય થતા અનેક જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ભારે વરસાદ પડતાં પાણી ભરાઈ જવાના કારણે ખેતરોમાં ઉભેલો કપાસ અને લણીને તૈયાર થયેલો મગફળીનો પાક કોહવાઈ ગયો ગયો છે.

મહુવા ૧૧ ઇંચ કરતા વધુ જ્‍યારે જેસર, સિહોર સહિતના તાલુકા પથમાં સૌથી વધુ નુકશાન થયું છે. સિહોર પંથકના ટાણા, વરલ, કાજાવદર, ખાંભા, ભડલી, દેવગણા, જાંબાળા, બોરડી સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર કમોસમી વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ઉભા પાકનો સોથ વળી ગયો છે. તેમજ ખેતરોમાં ખેડૂતોએ ખેંચીને રાખેલા મગફળીના પાથરા પણ પલળી જઈ કાળા પડી જતા આ પાક હવે પશુચારા માટે પણ કામનો ન રહેતા ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્‍યો છે.

ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસતા ખેડૂતોને સારા ઉત્‍પાદનની આશા હતી, પરંતુ તૈયાર પાકને યાર્ડમાં વહેંચી સારી આર્થિક કમાણી કરવાની આશા પર કુદરતના કમોસમી વરસાદરૂપી પાણી ફરી વળતા ખેડૂતોએ સરકાર સામે મીટ માંડી છે. ખેડૂતોએ માંગ કરી છે કે સરકાર ખેડૂતોના ખેતર સુધી પહોંચી ઝડપથી સર્વે કરાવી યોગ્‍ય વળતર ચૂકવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.